આખરે સચિને વન-ડે ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લીધી

23 December, 2012 07:35 AM IST  | 

આખરે સચિને વન-ડે ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લીધી


સચિન તેન્ડુલકરે ગઈ કાલે ૨૩ વર્ષની ભવ્ય વન-ડે કરીઅરને છેવટે અલવિદા કરી હતી. તે નિવૃત્તિ જાહેર કરશે તો પહેલાં ટેસ્ટ-ક્રિકેટને નિશાન બનાવશે એવી ઘણાની માન્યતા હતી, પરંતુ તેણે પહેલાં વન-ડે છોડીને નિષ્ણાતો તેમ જ તેના કરોડો ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે ગઈ કાલે તેના રિટાયરમેન્ટ પછી એવી જોરદાર અટકળ હતી કે સિલેક્ટરોએ ઘરઆંગણે ૩૦ ડિસેમ્બરે પાકિસ્તાન સામે શરૂ થનારી વન-ડે સિરીઝ માટેની ટીમ સિલેક્ટ કરતાં પહેલાં તેને સંકેત આપી દીધો હતો કે તેઓ આ વન-ડે શ્રેણીમાં તેને નહીં લે.


સિલેક્ટરોએ કદાચ આવું પગલું તેને નિવૃત્તિ જાહેર કરવાનું સરળ પડે એ માટે લીધું હોવાનું પણ મનાય છે. સંદીપ પાટીલ આક્રમક બૅટ્સમૅન હતા અને સિલેક્શનની બાબતમાં પણ તેઓ અગ્રેસિવ અભિગમ અપનાવશે અને એમાં સચિનને ડ્રૉપ પણ કરવો પડે તો કરશે એવી ટીમની પસંદગી પહેલાંથી જ માન્યતા હતી.

સચિને કદાચ સિલેક્ટરોનો આ નિર્દેશ જાણીને વન-ડે છોડી દેવાના નિર્ણય પર વિચાર શરૂ કરી દીધો હશે એવી વાતો ગઈ કાલે બપોરથી શરૂ થઈ ગઈ હતી.

સચિને નિવૃત્તિનો નિર્ણય છેલ્લા ૭૨ કલાકમાં લીધો હોવાનું બોર્ડે કહ્યું હતું. તેણે બોર્ડપ્રમુખ એન. શ્રીનિવાસનને ગઈ કાલે રાત્રે જાણ કરી હતી. સચિને નાગપુરની ટેસ્ટ રમીને આવ્યા બાદ મુંબઈ આવીને મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો. શુક્રવાર રાત સુધીમાં  જાણ પરિવારને અને મિત્રોને કરી દીધી હતી. તે ટેસ્ટ ક્યારે છોડવી એ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝના પર્ફોમન્સ પરથી લેશે.

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી સંજય જગદાળેએ ગઈ કાલે સાંજે પત્રકારોને કહ્યું હતું કે ‘સચિનનો નિર્ણય ઓચિંતો નથી. અમારી સિલેક્શન કમિટીએ પાકિસ્તાન સામેની T20 અને વન-ડે સિરીઝ માટેની ટીમ સિલેક્ટ કરી એ પહેલાં જ સચિને અમને તેની નિવૃત્તિનો નિર્ણય જણાવ્યો હતો. તેણે મારી સાથે તેમ જ બોર્ડપ્રમુખ એન. શ્રીનિવાસન સાથે ફોન પર ચર્ચા કરી હતી.’

બોર્ડના ચીફ ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર રત્નાકર શેટ્ટીએ જર્નલિસ્ટોને કહ્યું હતું કે ‘સચિને મારી સાથે પણ નિવૃત્તિના નિર્ણય પહેલાં ચર્ચા કરી હતી જેમાં તેણે એટલું જ કહ્યું હતું કે ભારતે હવે ૨૦૧૫ના વન-ડેના વર્લ્ડ કપ માટેની ટીમ બનાવવાની છે અને એ તેની સૌથી મોટી ચિંતા છે. સચિને કદાચ આવું વિચારવાની સાથે હવે પોતાના રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે એવું મક્કમપણે માની લીધું હશે.’

સચિને નિવૃત્તિ વખતે શું કહ્યું?

સચિન ગઈ કાલે નિવૃત્તિની જાહેરાત વખતે ભાવુક થઈ ગયો હતો:

મેં વન-ડે ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કરી લીધું છે.

હું ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો મેમ્બર હતો એ બદલ પોતાને સદનસીબ માનું છું. ૨૦૧૫ના વર્લ્ડ કપ માટે સ્ટ્રૉન્ગ ટીમ બનાવવા માટેની પૂર્વતૈયારીઓ વહેલાસર શરૂ થવી જોઈએ.

હું ભારતીય ટીમને ભવિષ્ય માટે શુભકામના આપું છું.

હું મારા શુભેચ્છો અને ચાહકોનો ખૂબ આભારી છું.

સચિને ટેસ્ટ પછી વન-ડેની કરીઅર પાકિસ્તાન સામે રમીને શરૂ કરી હતી. તે છેલ્લી વન-ડે (જાન્યુઆરીના એશિયા કપમાં ઢાકામાં) પણ પાકિસ્તાન સામે રમ્યો હતો અને હવે તેણે પાકિસ્તાન સામેની સિરીઝ પહેલાં રિટાયરમેન્ટ લઈ લીધું છે.

ટેસ્ટ ન છોડવાનું કારણ શું?

ગઈ કાલે ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા હતી કે સચિને ઘણી કંપનીઓ સાથે લાંબા સમયના કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટો કર્યા છે અને એ પૂરાં ન થાય ત્યાં સુધી તે સંપૂર્ણપણે નિવૃત્ત ન થાય એવું કંપનીઓ માનતી હશે એટલે તેણે હજી ટેસ્ટક્રિકેટ ન છોડવાનું નક્કી કર્યું છે.

જોકે નવાઈની વાત એ છે કે તે થોડા મહિનાઓથી સતતપણે ટેસ્ટમાં જ ફ્લૉપ ગયો છે, પરંતુ તેણે ટેસ્ટના બદલે વન-ડે છોડી દેવાનો નવાઈ પમાડનારો નિર્ણય લીધો છે.

સચિન ૪૯ આઉટ

સચિને વન-ડેમાં ૪૯ સદી ફટકારી હતી એટલે એમાં સેન્ચુરીની હાફ સેન્ચુરીમાં તે એક ચૂકી ગયો હતો. તેની હાફ સેન્ચુરીની સંખ્યા ૯૬ છે એટલે એમાં તે સદીથી ચાર ડગલાં દૂર રહી ગયો હતો. જોકે તેણે ટેસ્ટની ૫૧ સદી સહિત ૧૦૦ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી છે. બન્ને ફૉર્મેટમાં તેણે કુલ ૧૬૨ હાફ સેન્ચુરી બનાવી છે.

કોચ આચરેકરને આંચકો

સચિન તેના બાળપણના કોચ રમાકાન્ત આચરેકરને મળવા ગયા અઠવાડિયે ગયો હતો, પરંતુ નિવૃત્તિનો કોઈ સંકેત તેમને નહોતો આપ્યો. ગઈ કાલે તેની જાહેરાતથી આચરેકરને ખૂબ નવાઈ સાથે આંચકો લાગ્યો હતો

વન-ડેની નિવૃત્તિથી ક્રિકેટજગતમાં આશ્ચર્ય

સૌરવ ગાંગુલી : મને એમ હતું કે સચિન પાકિસ્તાન સામેની સિરીઝમાં રમશે, પણ આ નિર્ણય તેનો છે અને સાચો છે. તેના પર સિલેક્ટરોનું પ્રેશર હતું એવું હું માનતો નથી, કોઈ તેને ડ્રૉપ કરી શકે એમ નથી.

કે. શ્રીકાંત : તેના નિર્ણયથી મને આશ્ચર્ય થયું છે. સચિને વન-ડે ક્રિકેટને એક નવી ઊંચાઈ બક્ષી હતી અને મને ખાતરી છે કે તે ટેસ્ટક્રિકેટ પણ સફળતાની ઊંચાઈએ જ છોડવાનું પસંદ કરશે.

દિલીપ વેન્ગસરકર : એવું કહેવું સહેલું છે કે ૨૦૧૧ના વર્લ્ડ કપ પછી સચિને નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી તથા માત્ર ૧૦૦ સદી પૂરી કરવા માટે જ તે એશિયા કપમાં રમ્યો હતો, પણ સચિને એવી સિદ્ધિ મેળવી છે, જે ઘણા ઓછા હાંસલ કરી શકે છે. તેણે સ્થાપેલા રેકૉર્ડ તોડવા સરળ નથી. તેણે વન-ડે ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવા જેવું હતું. આ નિર્ણયથી મને આશ્ચર્ય થયું છે.

હરભજન સિંહ : ૪૬૩ મૅચો, ૨૩ વર્ષ, ૧૮,૪૨૬ રન. બીજું કોઈ આ આંકડાની નજીક પણ પહોંચી શકશે નહીં. સચિનને સેલ્યુટ, સેલ્યુટ, સેલ્યુટ. સચિન તેન્ડુલકર મહાન માણસ અને શ્રેષ્ઠ મિત્ર છે. રિયલ સન ઑફ ઇન્ડિયા. આઇ સેલ્યુટ યુ ઍન્ડ લવ યુ.

કીર્તિ આઝાદ : ભગવાને અંતે નિર્ણય લઈ લીધો. આ નિર્ણય સિલેક્ટરોનો ન હતો. મને લાગે છે કે સચિન પણ સિલેક્ટરોથી કંટાળી ગયો હશે. સચિને યોગ્ય સમયે નિર્ણય લીધો તેનાથી હું ખુશ છું.