કૉપોર્રેટ વર્લ્ડમાં તેન્ડુલકરનો ભાવ ૫૦ ટકા જેટલો ઘટી શકે

27 December, 2012 06:37 AM IST  | 

કૉપોર્રેટ વર્લ્ડમાં તેન્ડુલકરનો ભાવ ૫૦ ટકા જેટલો ઘટી શકે



નવી દિલ્હી: સચિન તેન્ડુલકરે મહિનાઓથી ચાલતી ટીકાઓ પછી અને પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ માટેની ટીમમાં પોતાને સ્થાન નહીં મળે એવી સંભાવનાને કદાચ ધ્યાનમાં લઈને વન-ડેમાંથી નિવૃત્તિ લેવાનું જે પગલું ભર્યું છે એના કારણે મૉડલિંગને લગતા નવા કરારોમાં ઘટાડો જોવા મળી શકે અને વર્તમાન કૉન્ટ્રૅક્ટો રિન્યુ કરવાની સંખ્યા પણ ઓછી થઈ શકે.

સચિન એક બ્રૅન્ડના એન્ડૉર્સમેન્ટ માટે વર્ષે પાંચથી છ કરોડ રૂપિયા લે છે. એકાદ બે વર્ષમાં તેના આ ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો થઈ શકે એવી ઍડવર્ટાઇઝિંગ જગતમાં ચર્ચા છે. અત્યારે સચિન પાસે કુલ ૧૭ જાણીતી બ્રૅન્ડ્સ છે અને તેની ટોટલ બ્રૅન્ડ-વૅલ્યુ ૨૦૦ કરોડ રૂપિયા છે.

હાલમાં તેની પાસે જે એન્ડૉર્સમેન્ટના કૉન્ટ્રૅક્ટ્સ છે એમાંના ૬ કરાર આ મહિનાના અંતે પૂરા થઈ રહ્યા છે અને બીજા પાંચ કૉન્ટ્રૅક્ટો આવતા વર્ષના અંતે પૂરાં થશે. ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા છે કે તેણે કેટલાક એન્ડૉર્સમેન્ટ કરારને લગતી શરતોને ધ્યાનમાં રાખીને મોડી એટલે ૨૦૧૧ના વર્લ્ડ કપ પછીના પોણાબે વર્ષે નિવૃત્તિ લીધી છે.

ગુજરાત સામેની રણજીમાં નહીં રમે

સચિન તેન્ડુલકરે શનિવારે મુંબઈમાં ગુજરાત સામે શરૂ થનારી ચાર દિવસની રણજી મૅચમાં પોતે નહીં રમે એવું મસૂરીથી એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું. જોકે તેણે સ્પષ્ટતા કરી હતી કે તે પરિવાર સાથે વેકેશન માણવા મસૂરી ગયો છે અને જો મુંબઈ આ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચશે તો એમાં જરૂર રમશે.

મુંબઈએ મંગળવારે ઝહીર ખાનની પાંચ અને અભિષેક નાયરની ત્રણ વિકેટની મદદથી મધ્ય પ્રદેશને દિલધડક મૅચમાં હરાવીને ૬ પૉઇન્ટ મેળવીને ક્વૉર્ટર માટેની આશા જીવંત રાખી હતી.