તેન્ડુલકર શોધી રહ્યો છે એ વેઇટરને, જેણે તેને આપી હતી મૂલ્યવાન સલાહ

16 December, 2019 04:14 PM IST  |  Mumbai

તેન્ડુલકર શોધી રહ્યો છે એ વેઇટરને, જેણે તેને આપી હતી મૂલ્યવાન સલાહ

(આઇ.એ.એન.એસ.) ઘણી વાર જીવનમાં કોઈ એવી અજાણી વ્યક્તિ આવી જતી હોય છે જેની એક સલાહથી માણસના જીવનમાં ઘણા ફેરબદલ આવી જાય છે. ક્રિકેટજગતના ગૉડ ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના જીવનમાં પણ કંઈક એવું જ થયું હતું અને તે પોતે પેલી અજાણી વ્યક્તિને શોધી રહ્યો છે.

વાસ્તવમાં સચિન તેન્ડુલકર એક વેઇટરની શોધમાં છે જેની એક સલાહે સચિનના એલ્બો ગાર્ડને રીડિઝાઇન કરવામાં મદદ કરી હતી. આ વિશે તેન્ડુલકરે એક વિડિયોમાં વાત કરી હતી અને તે વેઇટરને શોધવામાં પોતાની મદદ કરવા સોશ્યલ મીડિયા યુઝર્સની મદદ માગી હતી.

સચિન એ વિડિયોમાં કહી રહ્યો છે કે ‘ચેન્નઈના તાજ કોરોમંડલમાં ટેસ્ટ સિરીઝ વખતે હું ત્યાંના એક સ્ટાફરને મળ્યો હતો. મારી તેની સાથે એલ્બો ગાર્ડના મુદ્દે વાત થઈ હતી. તેની સલાહના આધારે જ મેં મારું એલ્બો ગાર્ડ રીડિઝાઇન કરાવ્યું હતું. મને નથી ખબર કે તે હમણાં ક્યાં હશે, પણ હું તેને મળવા માગું છું. શું તમે લોકો મને એ વેઇટરને શોધવામાં મદદ કરી શકો છો?’

સચિને વધુમાં કહ્યું હતું કે ‘મને બરાબર યાદ છે કે એક દિવસ તે વેઇટર મારી રૂમમાં કૉફી લઈને આવ્યો હતો અને તેણે મારી સાથે એલ્બો ગાર્ડ પહેરીને બૅટિંગ-સ્વિંગ થવા વિશે વાત કરી હતી. તે મારો મોટો ચાહક હતો અને તેણે મારી ઍક્શનને ઘણી વાર જોઈ હતી. ખરું કહું તો મારા આ એલ્બોમાં થતા બદલાવ વિશે મને એકલાને જ ખબર હતી અને મેં એ વિશે દુનિયામાં કોઈ સાથે ડિસ્કસ નહોતી કરી, પણ એ વેઇટરે જ્યારે મને આ બદલાવની વાત કરી ત્યારે મેં તેને કહ્યું પણ હતું કે તું સાચો છે અને કદાચ દુનિયાનો પહેલો એવો માણસ હોઈશ જેણે મારામાં રહેલી ખોટને પકડી પાડી છે. એ પછી જ્યારે હું મેદાનમાંથી મારી રૂમમાં આવ્યો ત્યારે મેં મારું એલ્બો ગાર્ડ રીડિઝાઇન કરાવ્યું હતું.’

cricket news sachin tendulkar