સચિને નિવૃત્તિનો નિર્ણય સિલેક્ટરો પર છોડ્યો?

29 November, 2012 03:13 AM IST  | 

સચિને નિવૃત્તિનો નિર્ણય સિલેક્ટરો પર છોડ્યો?



સચિન તેન્ડુલકરે પોતાના રિટાયરમેન્ટ વિશે દરરોજ અટકળો થતી રહે છે અને તેને નિવૃત્તિ લઈ લેવાની વણમાગી સલાહ મળતી રહે છે એને ધ્યાનમાં રાખીને તેણે હવે રમવાનું છોડી દેવાની તૈયાર બતાવી હોવાનું મનાય છે.

એક અખબારી અહેવાલ મુજબ માસ્ટર બ્લાસ્ટરે ચીફ સિલેક્ટર સંદીપ પાટીલ સાથે નિખાલસપણે થયેલી વાતચીતમાં તેમને એવું કહ્યું હોવાનું મનાય છે કે તે હવે બહુ રન નથી બનાવી શક્તો એટલે તેણે ક્યારેય નિવૃત્તિ લઈ લેવી એનો નિર્ણય તેમના અધ્યક્ષસ્થાનવાળી સિલેક્શન કમિટી પર છોડવા તૈયાર છે.

છેલ્લી સદી જાન્યુઆરી ૨૦૧૧માં

૨૩ વર્ષની કરીઅરમાં ૧૯૨ ટેસ્ટમૅચ રમી ચૂકેલો ૩૯ વર્ષનો સચિન જાન્યુઆરી ૨૦૧૧ની કેપ ટાઉનની સદી પછી એક પણ સેન્ચુરી નથી બનાવી શક્યો.

બોર્ડ કહે છે કે કોઈ મીટિંગ નથી થઈ

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અને સિનિયર સિલેક્શન પૅનલના કન્વીનર સંજય જગદાળેએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘સચિનની ચર્ચા સંદીપ પાટીલ કે સિલેક્ટરોમાંથી કોઈની સાથે થઈ હોવાની અમને જોઈ જાણ નથી.

દ્રવિડ-સિધુ સચિનના પડખે

સુનીલ ગાવસકર અને કપિલ દેવે સચિન તેન્ડુલકરને કરીઅરની ભાવિ યોજના વિશે સિલેક્ટરો સાથે ચર્ચા કરવાની સલાહ આપી એને પગલે સચિનના બે ભૂતપૂર્વ સાથીઓ નવજોત સિંહ સિધુ અને રાહુલ દ્રવિડે માસ્ટર બ્લાસ્ટરની નિરાશા દૂર કરે એવા વિધાનો ગઈ કાલે પત્રકારોને કહ્યા હતા:

નવજોત સિંહ સિધુ : ભારતીય ટીમને અત્યારે સચિનની અત્યંત જરૂર છે. ટીમમાંથી વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા સિનિયરો હવે નથી એવામાં સચિન જેવા અનુભવી પ્લેયરની ટીમને ખૂબ આવશ્યકતા છે. જ્યાં સુધી સારો વિકલ્પ ટીમને ન મળે ત્યાં સુધી સચિનના રિટાયરમેન્ટ વિશે વિચારવું પણ ન જોઈએ.

રાહુલ દ્રવિડ : ભારતીય ટીમને સચિનની અગાઉ હતી એના કરતાં વધુ જરૂર અત્યારે છે. ઑગસ્ટમાં ન્યુ ઝીલૅન્ડ સામે તે થોડું રિસ્ક લઈને કેટલાક શૉટ રમ્યો હોય અને ઓછી તૈયારી સાથે રમવા ઊતર્યો હોય એવું મને લાગ્યું હતું, પરંતુ અત્યારે મને તેની મનોદશા ઘણી સારી લાગી રહી છે. સિરીઝ ૧-૧થી બરાબરીમાં છે અને ટીમ ઇન્ડિયા પર મુસીબતના વાદળો ઘેરાયા છે એવા સમયે ટીમને માસ્ટર બ્લાસ્ટર જેવા સિનિયર પ્લેયરની ખાસ જરૂર છે.