સચિન હાર્ડવર્કિંગ પ્લેયર છે

03 November, 2012 10:18 PM IST  | 

સચિન હાર્ડવર્કિંગ પ્લેયર છે



ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં સતત ત્રણ વાર બોલ્ડ થતાં ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે સચિનની ઉંમરને લીધે તેનું ફૂટવર્ક નબળું થઈ ગયું છે અને એથી સતત બોલ્ડ થઈ રહ્યો હોવાનું કહીને વિવાદ જગાવ્યો હતો. જોકે ગઈ કાલે એક લક્ઝુરિયસ ઘડિયાળ બનાવતી કંપનીએ તેની ૩૪ ટેસ્ટ-સેન્ચુરીના માનમાં યોજેલા કાર્યક્રમમાં સચિને વાનખેડેમાં રેલવે સામે ફટકારેલી સદીનાં મોંફાટ વખાણ કર્યા હતાં.

ટીમ માટે શુભ સંકેત

કાર્યક્રમમાં ગાવસકરે કહ્યું હતું કે ‘સચિન ખૂબ જ હાર્ડવર્કિંગ પ્લેયર છે. મને લાગે છે કે બે મહિનાના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી લીધેલા બ્રેકને લીધે તેને તે જે રીતે આઉટ થઈ રહ્યો હતો એ વિશે ગંભીરતાથી વિચારવાનો પૂરતો સમય મળી ગયો હતો. એ ખામીઓ સુધારવા તેણે ખૂબ મહેતન કરી હશે અને એનું પરિણામ આપણને ટેસ્ટ-સિરીઝમાં મળી જશે. વાનખેડેમાં રેલવે સામે તેની સેન્ચુરી એ ટીમ ઇન્ડિયા માટે સારા સંકેત છે.

પાકિસ્તાન સિરીઝનો સમય અયોગ્ય

પાકિસ્તાન સામેની આગામી સિરીઝ વિશેના વિરોધ સંદર્ભે પૂછતાં ગાવસકરે કહ્યું હતું કે ‘મને સિરીઝ સામે કોઈ વાંધો નથી. એ માટેનો સમય થોડો ખટકે છે, કેમ કે ત્યાર બાદની મહત્વપૂર્ણ ઑસ્ટ્રેલિયન સિરીઝ માટે ટીમને યોગ્ય આરામ નહીં મળે શકે.’