સચિને દીકરાની સાથે બે બૉડીગાર્ડ પણ ખાસ અમદાવાદ મોકલ્યા છે

20 January, 2013 04:17 AM IST  | 

સચિને દીકરાની સાથે બે બૉડીગાર્ડ પણ ખાસ અમદાવાદ મોકલ્યા છે



શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૨૦

સચિન તેન્ડુલકરે તેના દીકરા અજુર્નને બે પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ સાથે અમદાવાદ મૅચ રમવા મોકલ્યો છે. ગઈ કાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બે ગાર્ડની સુરક્ષા વચ્ચે અજુર્ને મુંબઈની ટીમ સાથે ચાર કલાક નેટ-પ્રૅક્ટિસ કરી હતી.

ગુજરાત અને મુંબઈની અન્ડર-૧૪ની ટીમ વચ્ચે આજથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં ત્રણ દિવસની વેસ્ટ ઝોન અન્ડર-૧૪ ક્રિકેટ-મૅચનો પ્રારંભ થશે. મુંબઈની અન્ડર-૧૪ની ટીમમાં અજુર્નનો સમાવેશ થતાં તે ટીમ સાથે મૅચ રમવા અમદાવાદ આવી પહોંચ્યો હતો. દીકરો મૅચ રમવા પ્રથમ વાર મુંબઈની બહાર ઘરના સભ્યો વગર એકલો ગયો હોવાથી સચિને તેની સિક્યૉરિટી માટે ખાસ બે ગાર્ડ સાથે મોકલ્યા છે. ગઈ કાલે આ બન્ને ગાર્ડ પડછાયાની જેમ અજુર્નની સિક્યૉરિટી કરતા જોવા મળ્યાં હતા.

મુંબઈની અન્ડર-૧૪ ટીમના કોચ પ્રશાંત શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સચિન તેન્ડુલકરે આ પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ્સ મૂક્યા છે. મુંબઈની ટીમ બાય રેલ અમદાવાદ આવી હતી. અજુર્ન અને તેના બે ગાર્ડ પણ ટ્રેનમાં ટીમ સાથે હતા. મુંબઈની ટીમને જે હોટેલમાં ઉતારો આપ્યો છે એમાં જ આ બન્ને ગાર્ડને પણ ઉતારો આપવામાં આવ્યો છે.

અજુર્ન તેન્ડુલકરે ટીમ સાથે વૉર્મ-અપ કર્યા બાદ પહેલાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી અને ત્યાર બાદ બોલિંગ-પ્રૅક્ટિસ કરી હતી. તેના પ્રથમ બૉલમાં જ ટીમનો ખેલાડી ક્લીન બોલ્ડ થતાં અજુર્ન ઉત્સાહમાં આવી ગયો હતો.