ઇન્ડિયા ‘એ’ના ૫૫૪ સામે કિવીઓ પાંચ વિકેટે ૧૯૮

05 October, 2012 05:13 AM IST  | 

ઇન્ડિયા ‘એ’ના ૫૫૪ સામે કિવીઓ પાંચ વિકેટે ૧૯૮



લિંકન (ન્યુ ઝીલૅન્ડ):  પ્રથમ દિવસે મનદીપ સિંહ અને અશોક મેનારિયા વચ્ચે ૨૯૪ રનની અતૂટ ભાગીદારીને લીધે ઇન્ડિયા ‘એ’એ ૪ વિકેટે ૪૩૩ રન બનાવ્યા હતા. જોકે કાલે આ જોડી વધુ ૨૪ રન જ ઉમેરી શકી હતી અને મેનારિયા ૧૭૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મનદીપ પણ ૧૯૩ રન બનાવીને આઉટ થઈ જતાં ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. વિકેટકીપર નમન ઓઝા ખાતું પણ ખોલાવી નહોતો શક્યો. ભારતે આખરે ૮ વિકેટે ૫૫૪ રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. વિનયકુમાર ૪૧ બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૦ રન બનાવીને તથા મુંબઈનો સ્પિનર અક્ષય દરેકર ૧૦ રન બનાવીને અણનમ રહ્યા હતા.

૫૫૪ રનના તોતિંગ સ્કોર સામે કિવીઓએ પહેલા જ બૉલે વિકેટ ગુમાવી દીધી હતી. વિનયકુમારે ઓપનર જ્યૉર્જ વર્કરને પહેલા જ બૉલે આઉટ કરી દીધો હતો. દિવસના અંતે કિવીઓએ ૧૯૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતના સ્કોરથી હજી ૩૫૬ રન પાછળ હતું. કિવી બૅટ્સમૅન હૅમિશ રુધરફૉર્ડ ૯૯ના સ્કોર પર રનઆઉટ થયો હતો. ભારત વતી વિનયકુમાર અને ભુવનેશ્વરકુમારે બે-બે વિકેટ લીધી હતી.

બન્ને દેશો વચ્ચે રમાયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં બન્ને ટીમો એક-એક મૅચ જીતી હતી અને એક મૅચ ટ્રાઈ થઈ હતી. પહેલી બિનસત્તાવાર ટેસ્ટમૅચ પણ ડ્રો રહી હતી.