પપ્પાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હોવાની વાત મનોજ તિવારીને કુટુંબીજનોએ જણાવી નહોતી

13 April, 2017 07:28 AM IST  | 

પપ્પાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હોવાની વાત મનોજ તિવારીને કુટુંબીજનોએ જણાવી નહોતી


બિપિન દાણી

વર્તમાન IPL મોસમ દરમ્યાન પિતાનું છત્ર ગુમાવનાર રિષભ પંત પછી કલકત્તાનો મનોજ તિવારી બીજો ભારતીય ખેલાડી બન્યો છે. ૩૨ વર્ષના તિવારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા પિતાને જીભ અને ગળાનું કૅન્સર આખરી તબક્કામાં હતું. હું મંગળવારે પુણે ખાતે દિલ્હી સામે મૅચ રમવાની તૈયારીમાં હતો ત્યારે આ દુખદ સમાચાર મળતાં તરત કલકત્તા આવી ગયો.’

મનોજ તિવારી મુંબઈની ટીમ વતી રમે છે. તેણે કહ્યું હતું કે ‘મારા પિતાને અઠવાડિયા પૂર્વે જ હાવડા હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, કારણ કે તેમને સારું થાય એવું જણાતું નહોતું. મુંબઈની તાતા હૉસ્પિટલમાં કામ કરી ચૂકેલા ડૉક્ટર સૌરવ દત્તા ઘણા બાહોશ અને હોશિયાર છે, પરંતુ લાંબું આયુષ્ય મારા પિતાના નસીબમાં નહોતું. મારું ધ્યાન ક્રિકેટ રમવામાંથી વિચલિત ન થાય એટલે મારા ઘરવાળાઓ પિતા આખરી દિવસો ગણે છે એ જણાવતા નહોતા. જોકે પિતાનું મુખ હું છેલ્લી વાર જોઈ શકયો અને અંતિમ સંસ્કાર વેળા હાજર રહી શક્યો એનો સંતોષ લઈ શક્યો. હું આજે જ (બુધવારે) રાજકોટ જવા રવાના થાઉં છું અને ગુજરાત સામેની મેચમાં શુક્રવારે ભાગ લઈ શકીશ.’

મનોજ તિવારીની મમ્મી બીના પર હવે ધ્યાન રાખવા મનોજ કટિબદ્ધ થયો છે અને યસ, IPLની મૅચમાં તે શ્રેષ્ઠ દેખાવ કરશે તો પિતાને જ એ અર્પણ કરશે.