પાટીદાર સામે લખનઉ પરાસ્ત

26 May, 2022 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર ક્વૉલિફાયર-ટૂમાં, લખનઉ આઉટ ઃ રાહુલનો રણકાર છેવટે એળે ગયો

પાટીદાર સામે લખનઉ પરાસ્ત


રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે (૨૦૭/૪) ગઈ કાલે ઈડન ગાર્ડન્સના ખીચોખીચ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (૧૯૩/૬)ને આઇપીએલની બીજી પ્લે-ઑફ (એલિમિનેટર)માં ૧૪ રનથી હરાવીને શુક્રવારની અમદાવાદ ખાતેની ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો હતો. કૅપ્ટન કે. એલ. રાહુલ (૭૯ રન, ૫૮ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની મહેનત એળે ગઈ હતી. દીપક હૂડા (૪૫ રન, ૨૬ બૉલ, ચાર સિક્સર, એક ફોર)ની મહેનત પણ લેખે નહોતી લાગી. બૅન્ગલોરના હૅઝલવુડે ત્રણ તથા હર્ષલ, હસરંગા, સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
મૂળ મધ્ય પ્રદેશનો અને બૅન્ગલોરની ટીમનો રજત પાટીદાર (૧૧૨*, ૫૪ બૉલ, સાત સિક્સર, બાર ફોર તેમ જ સ્ટોઇનિસનો કૅચ) આ મૅચનો સુપરસ્ટાર હતો. કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી (૦) અને વિરાટ કોહલી (૨૫) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા, પરંતુ ખરા સમયે ઝળકેલા પાટીદારે તેમની ખોટ નહોતી વર્તાવા દીધી. આ મૅચમાં બે ટોચના હરીફ બૅટર્સે એકમેકનો કૅચ પકડ્યો હતો. ફૅફ ડુ પ્લેસી શૂન્ય પર ક્વિન્ટન ડિકૉકના હાથમાં કૅચ આઉટ થયો, પરંતુ પછીથી ૬ રન બનાવનાર ડિકૉકનો કૅચ ડુ પ્લેસીએ પકડ્યો હતો.
લખનઉના ફીલ્ડરોએ કૅચ છોડ્યા
એ પહેલાં, વરસાદને કારણે રમત લગભગ પોણો કલાક મોડી શરૂ થઈ હતી. બૅન્ગલોરે બૅટિંગ મળ્યા બાદ ૪ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા. લખનઉના ફીલ્ડરોએ કેટલાક કૅચ છોડ્યા જેનો લાભ બૅન્ગલોરના બૅટર્સને થયો હતો. રાઇટ-હૅન્ડ બૅટર રજત પાટીદારે ઝમકદાર સદી ફટકારીને બૅન્ગલોરને તોતિંગ સ્કોર અપાવ્યો હતો. પહેલી જ ઓવરમાં કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીની વિકેટ ગુમાવી હતી. તે મોહસિન ખાનની બોલિંગમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. વિરાટ કોહલી (પચીસ રન) અને ગ્લેન મૅક્સવેલ (૯) સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ પાટીદારે દિનેશ કાર્તિક (અણનમ ૩૭, ૨૩ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે ૯૨ રનની અતૂટ ભાગીદારી કરી હતી.
બૅન્ગલોરના છેલ્લી પાંચમાં ૮૪
બૅન્ગલોરે પ્રથમ ૧૦ ઓવરમાં ૮૪ રન, પરંતુ છેલ્લી ૧૦ ઓવરમાં ૧૨૩ રન બનાવીને ધમાકેદાર પર્ફોર્મન્સનું પ્રદર્શન કર્યું હતું. છેલ્લી પાંચ ઓવરમાં પાટીદાર-કાર્તિકની જોડીએ એવી આતશબાજી કરી કે એમાં ૮૪ રન બનતાં બૅન્ગલોરના આ બન્ને બૅટર્સ બેકાબૂ સાબિત થયા હતા.
લખનઉના બોલર્સમાં મોહસિન, કૃણાલ, અવેશ ખાન અને બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી, જ્યારે ચમીરાને ૫૪ રનમાં વિકેટ નહોતી મળી શકી.
માર્ચમાં પાટીદારની રણજીમાં સદી
આ સીઝનમાં બૅન્ગલોરની ટીમનો રજત પાટીદાર સાત મૅચ રમ્યો જેમાં તેણે ફક્ત એક હાફ સેન્ચુરી (ગુજરાત સામે બાવન રન) ફટકારી હતી. આઇપીએલમાં આવતાં પહેલાં પાટીદારે માર્ચમાં રાજકોટમાં મધ્ય પ્રદેશ વતી કેરલા સામેની રણજી મૅચમાં સદી (૧૪૨) ફટકારી હતી.

sports news cricket news ipl 2022