15 August, 2022 02:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
૩૮ વર્ષનો રૉસ ટેલર એપ્રિલ ૨૦૨૨માં રિટાયર થયો હતો. તેની પત્નીનું નામ વિક્ટોરિયા છે અને તેમને ત્રણ સંતાનો છે.
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટમાં રંગભેદ અને જાતિભેદનું ભયંકર દૂષણ હોવાનું તાજેતરમાં આત્મકથામાં જણાવીને પોતે પણ એનો શિકાર બન્યો હોવાનું કહેનાર ભૂતપૂર્વ ક્રિકેટર રૉસ ટેલરે એમાં એક ચોંકાવનારી ઘટનાની વાત પણ કરી છે. આ વાત આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ ટીમના માલિક સાથે તેને થયેલા અનુભવની છે. ટેલરે લખ્યું છે કે ‘૨૦૧૧ની આઇપીએલની સીઝન દરમ્યાન એક વાર રાજસ્થાન રૉયલ્સ ફ્રૅન્ચાઇઝીના એક માલિક મારી પાસે આવ્યા અને મને ત્રણ-ચાર થપ્પડ ઠોકી દીધી હતી.’
તાજેતરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થનાર બૅટર રૉસ ટેલરે ૨૦૦૬માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી. તે રાજસ્થાન રૉયલ્સ ઉપરાંત દિલ્હી ડેરડેવિલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને પુણે વૉરિયર્સ વતી રમી ચૂક્યો છે.
‘રૉસ ટેલર : બ્લૅક ઍન્ડ વાઇટ’ ટાઇટલવાળી આત્મકથામાં તેણે ૨૦૧૧ની સીઝનમાં મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મૅચમાં રાજસ્થાનની ૪૮ રનથી થયેલી હારની વાત કરતાં કહ્યું કે ‘અમને ૧૯૫ રનનો લક્ષ્યાંક અપાયો હતો. હું ઝીરોમાં જ એલબીડબ્લ્યુ થયો હતો અને પછી અમારી ટીમ લક્ષ્યાંકની નજીક પણ નહોતી પહોંચી શકી. પછીથી અમે (ટીમ, મૅનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ) મોહાલીની હોટેલના ટોચના માળ પરના બારમાં બેઠા હતા. લિઝ હર્લી ત્યારે શેન વૉર્ન સાથે હતી. એ વખતે રૉયલ્સના એક માલિક મારી પાસે આવ્યા અને મને ત્રણ-ચાર હળવી થપ્પડ મારતાં કહ્યું, ‘રૉસ, અમે તમને ઝીરોમાં આઉટ થવાના લાખો ડૉલર નથી આપ્યા.’
પરિસ્થિતિ પામીને એ મામલો નહોતો ચગાવ્યો
રૉસ ટેલરે આત્મકથામાં ફ્રૅન્ચાઇઝીના એ પુરુષ-માલિક વિશે વધુમાં લખ્યું છે, ‘તેઓ મારી સાથે આ વર્તન કર્યા પછી હસી પડ્યા. તેમણે ભલે હસતાં-હસતાં આવું કર્યું અને થપ્પડ જોરથી પણ નહોતી મારી, પણ તેમણે એવું મજાકમાં જ કર્યું હતું એની મને કોઈ ખાતરી નથી. ત્યારે સ્થિતિ જ એવી હતી કે મેં મામલો ચગાવ્યો નહોતો, પરંતુ પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં આવું પણ બની શકે એનાથી મને ત્યારે ખૂબ આશ્ચર્ય થયું હતું.’
રાજસ્થાન રૉયલ્સ તરફથી આ સંબંધે કોઈ પ્રતિક્રિયા આવી ન હોવાનું ગઈ કાલે આઇએએનએસના અહેવાલમાં જણાવાયું હતું.
રાજસ્થાને ૧૦ લાખ ડૉલરમાં ખરીદેલો
રૉસ ટેલરને ત્યારે હરાજીમાં રાજસ્થાન રૉયલ્સે ૧૦ લાખ ડૉલરમાં ખરીદ્યો હતો. એ પહેલાં, ટેલર ત્રણ સીઝન સુધી બૅન્ગલોરની ટીમમાં હતો.
ટેલરે એવું પણ લખ્યું છે કે ‘હું રાજસ્થાન રૉયલ્સ સાથે એ એક સીઝન જ રહ્યો હતો. મને ત્યારે થયું કે બૅન્ગલોરની જ ટીમમાં હોત તો સારું થાત. બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ મને ૯.૫૦ લાખ ડૉલરમાં પણ ખરીદી લીધો હોત તો મને એ ગમ્યું હોત. ૨૦૧૨થી હું દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયો હતો. જોકે હું બૅન્ગલોરની જ ટીમ સાથે રહ્યો હોત તો મને વીરેન્દર સેહવાગ, શેન વૉર્ન, માહેલા જયવર્દને અને યુવરાજ સિંહ જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાનો મોકો જ ન મળ્યો હોત.’
જૂની ટીમ જેવું પીઠબળ નવીમાં નહીં
ટેલરે આત્મકથામાં વધુમાં લખ્યું છે કે ‘તમને જ્યારે કોઈ લાખો ડૉલર આપે ત્યારે તમને પોતાને થાય કે આ મૂલ્ય જેવું રમીને કાબેલિયત પુરવાર કરી આપવી છે અને એ સાબિત પણ કરવું છે કે તમને જે પૈસા મળ્યા છે એ જરાય ખોટા નથી. બીજું, તમને જે વ્યક્તિ કે માલિકો પૈસા ચૂકવે તેઓ ઊંચી અપેક્ષા રાખતા હોય છે. આ જ છે પ્રોફેશનલ સ્પોર્ટ અને માનવસ્વભાવ. જૂની ટીમ તમારામાં વિશ્વાસ જાળવી રાખતી હોય છે, પરંતુ જ્યારે નવી ટીમ વતી રમો ત્યારે એ ટીમ તરફથી એવું પીઠબળ નથી મળતું. ત્યારે માલિકોનો ડોળો તમારા પર્ફોર્મન્સ પર જ હોય છે અને બે-ત્રણ મૅચમાં નિષ્ફળ ગયા એટલે રીઍક્શન આવી જ જાય છે.’