ટેલરની કૅપ્ટનપદેથી હકાલપટ્ટી થશે

05 December, 2012 06:40 AM IST  | 

ટેલરની કૅપ્ટનપદેથી હકાલપટ્ટી થશે


તેના સુકાનમાં ન્યુ ઝીલૅન્ડનો પફોર્ર્મન્સ આવનારા દિવસોમાં વધુ સુધરશે એવી કોચ માઇક હેસનને ખાતરી નથી અને ટીમના કેટલાક સિનિયર પ્લેયરો પણ સુકાનમાં ફેરફાર ઇચ્છતા હોવાનું ટીમની નજીકની એક વ્યક્તિ પાસેથી ગઈ કાલે જાણવા મળ્યું હતું.

ગયા વર્ષે ડેનિયલ વેટોરીએ કૅપ્ટન્સી છોડી એટલે ટેલરને કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારે એ પદ માટે બ્રેન્ડન મૅક્લમ પણ હરીફાઈમાં હતો. હવે ટેલરને કૅપ્ટનપદેથી હટાવીને મૅક્લમને આ જવાબદારી સોંપવા ક્રિકેટ બોર્ડ દ્વારા વિચારી રહ્યું છે.

ચારમાંથી બે જીત ઝિમ્બાબ્વે સામે

૨૮ વર્ષના ટેલરે ગુરુવારે શ્રીલંકા સામેની જીત સાથે પૂરી થયેલી ટેસ્ટમૅચના પ્રથમ દાવમાં ૧૪૨ રન અને બીજા દાવમાં ૭૪ રન બનાવ્યા હતા. જોકે તેના સુકાનમાં ન્યુ ઝીલૅન્ડે મોટી ટીમ સામે મેળવેલી એ માત્ર બીજી જીત હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં હૉબાર્ટની રસાકસીભરી ટેસ્ટમૅચમાં કિવીઓએ ઑસ્ટ્રેલિયા સામે ૭ રનથી વિજય મેળવીને સિરીઝ ૧-૧થી ડ્રૉ કરાવી હતી.

આ બે વિજય સિવાય કિવીઓએ ટેલરની કૅપ્ટન્સીમાં મેળવેલી બીજી બે જીત ઝિમ્બાબ્વે સામે હતી.

૧૩માંથી ૭ ટેસ્ટમાં હાર

ન્યુ ઝીલૅન્ડે ટેલરના સુકાનમાં ૧૩માંથી ચાર ટેસ્ટમાં જીત મેળવી છે, પરંતુ સાતમાં પરાજય જોયો છે. એક મૅચ ડ્રૉ થઈ છે.

ટેલરના નેતૃત્વમાં ન્યુ ઝીલૅન્ડ સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે વન-ડે સિરીઝ પણ હાર્યું છે. કિવીઓની વન-ડે સિરીઝની એકમાત્ર જીત ઝિમ્બાબ્વે સામે છે.