રોહિતને કોવિડ: કૅપ્ટન કોણ?

27 June, 2022 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્માને પહેલી વાર વિદેશી ધરતી પર ટેસ્ટમાં ભારતનું સુકાન સંભાળવાનો મોકો મળ્યો છે.

રોહિત શર્મા

રોહિત શર્માને પહેલી વાર વિદેશી ધરતી પર ટેસ્ટમાં ભારતનું સુકાન સંભાળવાનો મોકો મળ્યો છે, પરંતુ પહેલી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ શરૂ થાય એ પહેલાં જ રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ મુજબ રોહિતનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ટીમ ઇન્ડિયાની કૅપ્ટન્સીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. 
ઇંગ્લૅન્ડ-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની વર્તમાન સિરીઝનો પ્રોટોકોલ લાગુ પડાશે તો પ્લેયરના પાંચ દિવસના આઇસોલેશન મુજબ રોહિતના પાંચ દિવસ બુધવારે પૂરા થશે અને તે કદાચ ગુરુવારે પ્રૅક્ટિસ શરૂ કરી શકશે. ટેસ્ટ શુક્રવારે શરૂ થવાની છે. જો રોહિતે ૬ દિવસ આઇસોલેશનમાં રહેવાનું હશે તો પછી ટેસ્ટમાં મોટા ભાગે નહીં રમે. સુકાન રિષભ પંતને કે જસપ્રીત બુમરાહને સોંપવામાં આવશે. વિરાટ કોહલીએ કૅપ્ટન્સી છોડી દીધી છે, પરંતુ કાર્યવાહક સુકાની બનવાની તેને કદાચ વિનંતી કરાય એવી પણ સંભાવના છે. આઇપીએલમાં શ્રેયસ ઐયર પણ સુકાન સંભાળી ચૂક્યો છે, પરંતુ તે બૅટિંગમાં સાતત્ય નથી જાળવી શક્યો.
કે. એલ. રાહુલ ઈજાને કારણે ટીમની બહાર છે. હાર્દિક પંડ્યા ઇંગ્લૅન્ડના પાડોશી દેશ આયરલૅન્ડમાં ટી૨૦ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે અને ભારતની બીજી તથા અંતિમ ટી૨૦ મંગળવાર, ૨૮ જૂને નિર્ધારિત છે.

rohit sharma sports news cricket news