2007ની T20 WC ફાઇનલમાં રોહિતની ઇનિંગ ખૂબ સ્પેશ્યલ હતી: યુવરાજ સિંહ

28 July, 2020 12:59 PM IST  |  New Delhi | Agencies

2007ની T20 WC ફાઇનલમાં રોહિતની ઇનિંગ ખૂબ સ્પેશ્યલ હતી: યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહનું કહેવું છે કે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં રોહિત શર્માની ઇનિંગ ખૂબ સ્પેશ્યલ હતી. ૨૦૦૭ની ૨૪ સપ્ટેમ્બરે ઇન્ડિયા જોહનિસબર્ગમાં પાકિસ્તાનને હરાવીને ખૂબ કૉન્ફિડન્સથી આગળ વધ્યું હતું. એ મૅચમાં ગૌતમ ગંભીરે ૫૪ બૉલમાં ૭૫ રન કર્યા હતા તેમ જ આર. પી. સિંહ અને ઇરફાન પઠાણે ત્રણ-ત્રણ વિકેટ લઈને ઇન્ડિયાને જીત અપાવી હતી. આ વિશે યુવરાજે કહ્યું હતું કે ‘ઇરફાન પઠાણ અને ગૌતમ ગંભીરનો પર્ફોમર્ન્સ ખૂબ જ અદ્ભુત હતો. મને લાગે છે કે આ બધાની મહેનતને કારણે મળેલી જીત છે. ઇંગ્લૅન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મારી પણ બે ખૂબ જ મહત્વની ઇનિંગ રહી હતી.’

જોકે યુવરાજનું કહેવું છે કે આ તમામમાં રોહિત શર્માની ઇનિંગને લોકો ભૂલી ગયા છે. ફાઇનલમાં રોહિત શર્માએ નૉટઆઉટ રહીને ૧૬ બૉલમાં ૩૦ રન કર્યા હતા અને ઇન્ડિયાના સ્કોરને ૧૫૦નો આંકડો પાર કરાવ્યો હતો. આ વિશે યુવરાજે કહ્યું હતું કે ‘બધા મારા અને ગંભીર વિશે વાતો કરે છે, પરંતુ રોહિત શર્મા વિશે કોઈ વાત નથી કરતું. તેણે ફાઇનલમાં ૧૮ અથવા ૨૦ બૉલમાં અંદાજે ૩૬ની આસપાસ રન કર્યા હતા, જેનાથી અમે ૧૬૦ની નજીક પહોંચ્યા હતા. આ ઇનિંગ ટુર્નામેન્ટની સૌથી મહત્ત્વની હતી. ઇરફાન ત્રણ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, પરંતુ અમારા માટે રોહિતની ઇનિંગ મહત્વની હતી.’

yuvraj singh cricket news sports news t20 world cup