મિશન ઑસ્ટ્રેલિયાની તૈયારીના ભાગરૂપે શિવાજી પાર્કમાં હિટમૅને મચાવી ધમાલ

11 October, 2025 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર રોહિત શર્મા, વિરાટ કોહલી અને વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર ટૂંક સમયમાં નવી દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. ૧૫ ઑક્ટોબરે દિલ્હી ઍરપોર્ટથી બે અલગ-અલગ ગ્રુપમાં ભારતીય પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા ટૂર માટે રવાના થશે. 

શિવાજી પાર્કમાં ફૅન્સની ભીડ વચ્ચેથી બહાર નીકળવામાં રોહિત શર્માને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તસવીરો : આશિષ રાજે

ઑસ્ટ્રેલિયાની ટૂર પહેલાં અનુભવી ક્રિકેટર રોહિત શર્મા પોતાના પર્સનલ ટ્રેઇનર અને ભારતના ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયર સાથે જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે. ગઈ કાલે તેણે શિવાજી પાર્કમાં લગભગ બે કલાક સુધી પ્રૅક્ટિસ કરી હતી. તેના બૅટિંગ-સેશન દરમ્યાન યંગ ક્રિકેટર અંગક્રિશ રઘુવંશી સહિતના કેટલાક લોકલ પ્લેયર્સ પણ હાજર હતા. 

રસપ્રદ વાત એ હતી કે તેની પત્ની રિતિકા સજદેહ પણ તેના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મેદાન પર હાજર હતી. ફિટ ઍન્ડ ફાઇન હિટમૅનના પ્રૅક્ટિસ-સેશનના સમાચાર મળતાં ફૅન્સની ભારે ભીડ ભેગી થઈ હતી. ૩૮ વર્ષનો રોહિત શર્મા શિવાજી પાર્કમાં પાવરફુલ શૉટ ફટકારતો જોવા મળ્યો હતો. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટનને ત્યાંથી બહાર લઈ જવા માટે સુરક્ષા-કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

અહેવાલ અનુસાર રોહિત શર્મા, વિરાટ કોહલી અને વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર ટૂંક સમયમાં નવી દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. ૧૫ ઑક્ટોબરે દિલ્હી ઍરપોર્ટથી બે અલગ-અલગ ગ્રુપમાં ભારતીય પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા ટૂર માટે રવાના થશે. 

પ્રૅક્ટિસ-સેશનના અંતમાં રોહિત શર્મા સાથે સેલ્ફી પડાવવા એક યંગ ફૅને ભારે ધમપછાડા કર્યા હતા. કેટલાક લોકોએ તેને રોક્યો પણ તેનો ઉત્સાહ જોઈ હિટમૅન તેની સાથે ફોટો પડાવવા રાજી થઈ ગયો હતો.

rohit sharma mumbai mumbai news shivaji park cricket news sports news sports