02 April, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
રવિવારે વાનખેડેમાં કલકત્તા સામે મેદાનમાં ઊતરતાંની સાથે રોહિત શર્મા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો એક અનોખો ખેલાડી બની ગયો હતો. IPLની આ ૧૯મી સીઝન છે અને તે બધી જ સીઝનમાં એક ઇન્ટરનૅશનલ ખેલાડી તરીકે રમનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે. રોહિત ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને મનીષ પાંડે પણ બધી જ સીઝનમાં રમ્યા છે, પણ ઇન્ટરનૅશનલ ખેલાડી તરીકે નહીં.
મહેન્દ્ર સિંહ ધોની ૨૦૦૮ની પ્રથમ સીઝનથી ૨૦૨૪ સુધી એટલે ૧૭ સીઝન સુધી એક ઇન્ટરનૅશનલ ખેલાડી તરીકે રમ્યો હતો, પણ ૨૦૨૫થી અનકૅપ્ડ ખેલાડી તરીકે રમી રહ્યો છે કેમ કે તે છેલ્લાં પાંચ વર્ષથી ઇન્ટરનૅશનલ મૅચ નહોતો રમી રહ્યો. જ્યારે વિરાટ કોહલી ૨૦૦૮માં પ્રથમ સીઝન રમ્યો હતો ત્યારે તેનું ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ નહોતું થયું એટલે અનકૅપ્ડ ખેલાડી હતો. જોકે એ જ વર્ષે શ્રીલંકા સામેની સિરીઝથી તેની ઇન્ટરનૅશનલ કરીઅરની શરૂઆત થઈ હતી. મનીષ પાંડેનું ઇન્ટરનૅશનલ ખેલાડી તરીકે ડેબ્યુ ૨૦૧૫માં થયું હતું એટલે ૨૦૦૮થી ૨૦૧૫ સુધી તે પણ અનકૅપ્ડ ખેલાડી તરીકે રમ્યો હતો.
IPLની પ્રથમ સીઝન પહેલાં ૨૦૦૭માં રોહિતે આયરલૅન્ડ સામેની મૅચમાં ટીમ ઇન્ડિયા વતી ડેબ્યુ કર્યું હતું. રોહિતે ૨૦૧૮માં પ્રથમ સીઝનમાં ડેક્કન ચાર્જર્સ ટીમ વતી શરૂઆત કરી હતી અને ૩ સીઝન સુધી તે રમ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૧થી તે મુંબઈ ઇન્ડિયન્સમાં આવી ગયો હતો અને ૨૦૨૬ સુધી તે એમાં જળવાઈ રહ્યો છે. ૨૦૦૮થી ૨૦૨૦ દમ્યાન હૈદરાબાદ બાદ વતી ૪૫ મૅચ રમ્યો હતો જેમાં ૧૧૭૦ રન બનાવ્યા હતા. ૨૦૦૯માં ડેક્કન ચાર્જર્સને ચૅમ્પિયન બનાવવામાં તેણે મહત્ત્વનો રોલ પણ ભજવ્યો હતો. મુંબઈ સામેની મૅચમાં તેણે હૅટ-ટ્રિકની કમાલ પણ કરી હતી અને એ સીઝનમાં બેસ્ટ ઇમર્જિંગ ખેલાડીનો અવૉર્ડ પણ મેળવ્યો હતો. ૨૦૧૧માં મુંબઈ સાથે જોડાયા બાદ ૨૦૧૩માં કૅપ્ટન બન્યો હતો અને ટીમને ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ એમ પાંચ વાર ચૅમ્પિયન પણ બનાવી હતી.
આ ચારેયમાં વિરાટ જ એકમાત્ર ખેલાડી છે કે જે બધી જ સીઝન એકમાત્ર બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝી વતી રમ્યો છે. તે હંમેશાં રિટેન થયો છે અને ક્યારેય ઑક્શનનો સામનો નથી કર્યો. રોહિત ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વતી જ્યારે ધોની ચેન્નઈ સુપર કિંગ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાટન્સ એમ બે-બે ટીમ વતી રમ્યા છે. મનીષ પાંડે આ ૧૯ સીઝન દરમ્યાન સૌથી વધુ ૭ ટીમ વતી રમ્યો છે.