પંત હજી જુવાન છે, તેને રમવા દો : રોહિત

10 November, 2019 09:54 AM IST  |  Mumbai

પંત હજી જુવાન છે, તેને રમવા દો : રોહિત

રિષભ પંત

છેલ્લી બે ટી૨૦ મૅચમાં વિકેટકીપર તરીકે રિષભ પંતે જે પર્ફોર્મન્સ આપ્યું છે એનાથી ક્રિકેટપ્રેમીઓ ઘણા નારાજ છે. જોકે આજની ત્રીજી મૅચમાં તેનાથી કોઈ ભૂલ ન થાય એવી આશા રાખવામાં આવી રહી છે. એવામાં પંતના નબળા પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને કૅપ્ટન રોહિત શર્મા તેની વહારે આવ્યો છે અને પંતને પોતાની નૅચરલ ગેમ રમવા દેવાની વાત કરી છે.
વાસ્તવમાં બીજી ટી૨૦ મૅચમાં બંગલા દેશની સ્ટમ્પ્સની પાછળ વિકેટ લેવામાં પંત નિષ્ફળ રહ્યો હતો. હાલમાં પંતને ટેકો આપતાં રોહિતે કહ્યું હતું કે ‘પંત હજી બાવીસ વર્ષનો યુવાન છે જે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી રહ્યો છે. તે ફીલ્ડ પર જે પણ મૂવમેન્ટ્સ કરે છે એની ચર્ચા થવા માંડે છે. મારા મતે તેને પોતાની નૅચરલ ગેમ રમવાનો ચાન્સ આપો જેથી તે પોતાની રીતે રમી શકે. તે ડરપોક ક્રિકેટર નથી અને ટીમ-મૅનેજમેન્ટ ઇચ્છે છે કે તેને પોતાની રીતે રમવાની આઝાદી મળે, કેમ કે દરેક પ્લેયર પોતાની એક અલગ ટૅલન્ટ ધરાવે છે. જો તમે સતત તેને જ જોયા કરશો તો તે પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ નહીં આપી શકે.’
પંતની બાબતમાં વધારે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘પંત પર માત્ર સારા સમયમાં જ નહીં, ખરાબ સમયમાં પણ ધ્યાન રાખવામાં આવે છે. ટીમ-મૅનેજમેન્ટને જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે તે તૈયારી પણ કરી રહ્યો છે. પંત અને શ્રેયસ ઐયર બન્ને ટૅલન્ટેડ છે અને બન્ને પાસે સારી ટૅલન્ટ છે.’

રોહિત શાર્મા આજે ૪૦૦ સિક્સર મારનારો પ્રથમ ભારતીય બનશે?

ઇન્ડિયન ક્રિકેટ ટીમનું સુકાની પદ સંભાળી રહેલા રોહિત શર્મા પાસે આજે બંગલા દેશ સામેની છેલ્લી ટી૨૦માં એક ખાસ રેકૉર્ડ કરવાની તક છે. મૅચમાં જો તે માત્ર બે સિક્સર ફટકારે તો પોતાની ક્રિકેટ-કરીઅરમાં તેની સિક્સરની સંખ્યા ૪૦૦ થઈ જશે અને આ કીર્તિમાન સર્જનારો તે પ્રથમ ભારતીય પ્લેયર બનશે.
રોહિતે અત્યાર સુધી વનડેમાં ૨૩૨, ટી૨૦માં ૧૧૫ અને ટેસ્ટમાં ૫૧ સિક્સર મારી છે. હિટમૅન રોહિત શર્મા નાગપુરની આજની મૅચમાં જો બે સિક્સર મારે તો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૪૦૦ સિક્સર મારનાર તે વર્લ્ડનો ત્રીજો બૅટ્સમૅન બનશે. તેના પહેલાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે ૪૦૦ સિક્સર ફટકારવાનો કીર્તિમાન સરજ્યો છે. ક્રિકેટ કરીઅરમાં અત્યાર સુધી ગેઇલે ૫૩૪ અને આફ્રિદીએ ૪૭૬ સિક્સર મારી છે.

rohit sharma Rishabh Pant