રાજકોટમાં રોહિતરાજ

08 November, 2019 11:49 AM IST  |  Mumbai

રાજકોટમાં રોહિતરાજ

મેદાન પર રોહિત શર્મા

રાજકોટમાં રમાયેલી બીજી ટી૨૦ મૅચમાં ઇન્ડિયાએ બંગલા દેશને ખૂબ જ ગંદી રીતે હરાવ્યું છે. ઇન્ડિયન ઓપનર અને કૅપ્ટન રોહિત શર્માએ ૪૩ બૉલમાં ૮૫ રન ફટકારી બંગલા દેશને તકલીફમાં મૂકી દીધું હતું.
ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મૅચમાં બંગલા દેશે ૧૫૩ રન કર્યા હતા જેમાં સૌથી વધુ મોહમ્મદ નઇમના ૩૬ હતા. સૌમ્યા સરકાર અને મહમુદુલ્લાહ બન્નેએ ૩૦-૩૦  રન કર્યા હતા. યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં ૨૮ રન આપી બે વિકેટ લીધી હતી. ઇન્ડિયન ટીમને ખલીલ અહમદ સૌથી ભારે પડ્યો હતો જેને ચાર ઓવરમાં ૪૪ રન આપ્યા હતા.
ઇન્ડિયન ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન બૅટિંગ પર આવતાં તેમણે ધમાલ મચાવી હતી. ગ્રાઉન્ડ પર બંગલા દેશને રોહિતનું તોફાન જોવા મળ્યું હતું. તેની અગ્રેસિવ બૅટિંગથી બંગલા દેશ તરત જ પ્રેશરમાં આવી ગયું હતું. ૧૦.૫ ઓવરમાં શિખર ધવનની ૩૧ રન પર વિકેટ પડી હતી. ઓપનર્સ વચ્ચે ૧૧૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ રોહિત પણ ૮૫ રન બનાવી આઉટ થયો હતો. કે. એલ. રાહુલ અને શ્રેયસ અય્યરે અનુક્રમે આઠ અને ૨૪ રન કરી ટીમ ઇન્ડિયાને ૧૫.૪ ઓવરમાં જીત અપાવી હતી.

ઇન્ડિયન ક્રિકેટ માટે રોહિત ખૂબ જ કીમતી છે : ગાંગુલી
સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઇન્ડિયન ક્રિકેટ માટે રોહિત શર્મા ખૂબ જ મહત્ત્વનો છે. રોહિત શર્માએ ગઈ કાલે તેની ૧૦૦મી ટી૨૦ મૅચ રમી હતી. આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું હતું કે ‘રોહિત શર્માની ટી૨૦માં ૧૦૦ મૅચ થઈ છે. ઇન્ડિયન ક્રિકેટ માટે તે ખૂબ જ કીમતી છે.’

rohit sharma rajkot