રોહિત શર્માએ મુંબઈની આશા જીવંત રાખી

11 December, 2012 08:08 AM IST  | 

રોહિત શર્માએ મુંબઈની આશા જીવંત રાખી




વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ સામે રમતાં મુંબઈએ ગઈ કાલે ચાર દિવસની રણજી મૅચના ત્રીજા દિવસે રોહિત શર્માની ધમાકેદાર અને હિકેન શાહની વધુ એક આકર્ષક ઇનિંગ્સે વડે લીડ લેવાની આશા જીવંત રાખી હતી. પંજાબના ૫૮૦ રનના જવાબમાં મુંબઈએ દિવસના અંતે ૩ વિકેટે ૩૬૪ રન બનાવી લીધા હતા અને તેઓ હજી ૨૧૬ રન પાછળ છે અને સાત વિકેટ બાકી છે.

રવિવારે નાગપુરની છેલ્લી ટેસ્ટના સિલેક્શનમાં પણ સિલેક્ટરોએ રોહિતની ઉપેક્ષા કરી હતી. જોકે રોહિતે ગઈ કાલે સિલેક્ટરોને બૅટ વડે જવાબ આપતો હોય એમ અણનમ ૧૬૩ રનની ઇનિંગ્સ રમ્યો હતો. ઓપનર કૌસ્તબ પવાર ૭૮ રન બનાવીને આઉટ થયો હતો. પંજાબ વતી મનપ્રીત ગોની, હરભજન સિંહ અને સિદ્ધાર્થ કૌલે એક-એક વિકેટે લીધી હતી.

બીજી રણજી મૅચોમાં શું બન્યું?

અમદાવાદમાં રાજસ્થાનના ૨૯૪ રનના જવાબમાં ગુજરાતે કૅપ્ટન પાર્થિવ પટેલના ૯૨ રનની મદદથી ૩૧૨ રન બનાવીને પહેલી ઇનિંગ્સમાં ૧૮ રનની લીડ લીધી હતી. રાજસ્થાને બીજી ઇનિંગ્સમાં એક વિકેટે ૨૯ રન બનાવ્યા હતા.

રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે બેન્ગાલ હારની નજીક પહોચી ગયું હતું. સૌરાષ્ટ્રે આપેલા ૪૩૧ રનના જવાબમાં બૅન્ગાલે દિવસના અંતે ૬૫ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

વડોદરામાં ઓડિશાના બરોડાએ ૧૦ વિકેટે કારમી હાર આપી હતી.

પૂણેમાં હરિયાણાના ૨૫૭ રનના જવાબમાં મહારાષ્ટ્રાએ ૮ વિકેટે ૫૪૦ રને દાવ ડિક્લેર કર્યો હતો.

હરિયાળાએ બીજા દાવમાં ૭૫ રનમાં બે વિકેટ ગુમાવી હતી.