27 October, 2025 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ઑસ્ટ્રેલિયા ટૂરમાં વન-ડે સિરીઝમાં પ્લેયર ઑફ સિરીઝ રહેલા રોહિત શર્માએ ભારતીય ઓપનર તરીકે નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. સિડનીમાં પચાસમી ઇન્ટરનૅશનલ સદી ફટકારનાર રોહિત શર્માએ વીરેન્દર સેહવાગનો ૧૨ વર્ષથી જળવાઈ રહેલો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ૩૫૪ ઇનિંગ્સમાં ૧૫,૭૮૭ રન કરીને વીરેન્દર સેહવાગના ૧૫,૭૫૮ રનનો રેકૉર્ડ તોડ્યો છે.
ઓપનર તરીકે રોહિત શર્માએ ટેસ્ટ-ફૉર્મેટની ૪૩ ઇનિંગ્સમાં ૨૬૯૭ રન, વન-ડે ફૉર્મેટની ૧૮૭ ઇનિંગ્સમાં ૯૩૪૦ રન અને T20 ફૉર્મેટની ૧૨૪ ઇનિંગ્સમાં ૩૭૫૦ રન કર્યા છે. T20 ઇન્ટરનૅશનલમાં ઓપનર તરીકે હાઇએસ્ટ રનનો રેકૉર્ડ રોહિત શર્માના નામે છે.
કાંગારૂઓ સામે અને ઑસ્ટ્રેલિયામાં વન-ડે રેકૉર્ડ મજબૂત કર્યો
- ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ વન-ડે રન ફટકારનાર ભારતીઓમાં રોહિત શર્માએ સચિન તેન્ડુલકરનું સ્થાન લઈ લીધું છે. રોહિતે ઑસ્ટ્રેલિયામાં ૩૩ વન-ડે ઇનિંગ્સમાં ૧૫૩૦ રન કર્યા અને સચિને ૪૬ ઇનિંગ્સમાં ૧૪૯૧ રન કર્યા હતા. વિરાટ કોહલી ૩૨ ઇનિંગ્સમાં ૧૪૦૧ રન સાથે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
- ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા નંબર ટૂ પ્લેયર બન્યો છે. સચિન ૭૦ ઇનિંગ્સમાં ૩૦૭૭ રન સાથે પહેલા ક્રમે બિરાજમાન છે. રોહિત ૪૯ ઇનિંગ્સમાં ૨૬૦૯ રન સાથે બીજા ક્રમે પહોંચ્યો છે. વિરાટ કોહલી ૫૧ ઇનિંગ્સમાં ૨૫૨૫ વન-ડે રન સાથે ત્રીજા ક્રમે આવી ગયો છે.
સિડનીમાંથી છેલ્લી સલામ
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રોહિત શર્માએ ગઈ કાલે ભારત આવવા માટે ફ્લાઇટ પકડી હતી. તેણે સિડનીના ઍરપોર્ટથી એક ફોટો પડાવીને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યો હતો. આ ફોટોમાં તે ઍરપોર્ટ ટર્મિનલમાં અંદર જતી વખતે ગુડ બાયનો સંકેત આપતો જોવા મળ્યો હતો. તેણે સ્ટોરીમાં લખ્યું છે, ‘છેલ્લી વખત સિડનીમાંથી વિદાય.’ ૩૮ વર્ષના રોહિત શર્માની પ્લેયર તરીકે ઑસ્ટ્રેલિયાની આ છેલ્લી ક્રિકેટ-ટૂર માનવામાં આવી રહી છે.