ઇફ ધેર ઇસ નો નૉઇઝ, ધેર ઇઝ નો ફન

21 July, 2026 11:32 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

રિટાયરમેન્ટની અટકળો વચ્ચે તોફાની સદી ફટકારનાર રોહિત શર્મા કહે છે...

સેન્ચુરી ફટકાર્યા બાદ ભાવુક થયેલી પત્ની અને દીકરી તરફ ફ્લાઇંગ કિસ મોકલીને સદીની ઉજવણી કરી હતી રોહિત શર્માએ.

રિટાયરમેન્ટની અટકળો વચ્ચે લૉર્ડ્‍સમાં ભારત તરફથી પહેલી વન-ડે સેન્ચુરી કરવાની સિદ્ધિ રોહિત શર્માએ મેળવી હતી. આ મૅચ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રોહિત શર્માના નિવેદનવાળો એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ આ વિડિયોમાં કહ્યું હતું, ‘મારું કામ બૅટિંગ કરવાનું અને દેશ અને ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું છે. મારા ડેબ્યુથી લઈને હમણાં સુધી હું મારા વિશે આવી ચર્ચાઓનો ઘોંઘાટ સાંભળી રહ્યો છું. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી એ ચાલુ રહેશે. એટલે એનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે હું મેદાન પર શું કરું છું. હું ટીમની સફળતામાં યોગદાન આપવાનો પ્રયાસ કરું છું. અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન મારી રમત પર છે. ઘોંઘાટ થવા દો. જો કોઈ ઘોંઘાટ ન હોય તો રમવાની મજા નથી.  મારું કામ મેદાન પર છે અને ચર્ચા કરનારાઓનું કામ મેદાનની બહાર છે. આ આખી સ્થિતિને આ રીતે જોઉં છું.’

લૉર્ડ શાર્દૂલ ઠાકુરના બૅટથી લૉર્ડ્‍સમાં તોફાન મચાવ્યું હતું રોહિત શર્માએ

ત્રીજી મૅચમાં રોહિત શર્મા જે બૅટથી તોફાની ઇનિંગ્સ રમ્યો હતો એના નીચેના ભાગમાં ભારતીય ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરનું નામ હતું. સોની નેટવર્ક પર કૉમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળેલા શાર્દૂલ ઠાકુરે આ બૅટ પાછળની વાર્તા કહી હતી.  

IPL 2026ની શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સના પહેલા પ્રૅક્ટિસ કૅમ્પમાં શાર્દૂલ ઠાકુરને શાનદાર બૅટિંગ કરતો જોઈને રોહિત શર્માએ તેની ​કિટમાંથી આવું જ એક બૅટ લઈ લીધું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન પણ શાર્દૂલ ઠાકુર પાસે નવાં બૅટ આવ્યાં અને એમાંથી પણ રોહિત શર્માએ એક બૅટ લઈને ‘પાછું નહીં આપું’ એવું કહી દીધું હતું.

વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચોમાં ૧૦૦૦ રન કરવાની સિદ્ધિ મેળવી રોહિત શર્માએ

વન-ડે સિરીઝમાં ઘણી વખત વિજેતા ટીમો અંતિમ મૅચના રિઝલ્ટ પરથી નક્કી થતી હોય છે. આવી આ નિર્ણાયક મૅચોમાં ૧૦૦૦ રન ફટકારનાર રોહિત શર્મા પહેલો ખેલાડી બન્યો છે. તેણે આવી ૧૮ મૅચમાં ૧૦૧. ૬૦ના સ્ટ્રાઇક-રેટથી ૪ ફિફ્ટી અને ૪ સેન્ચુરીની મદદથી ૧૦૧૫ રન કર્યા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ૧૭ વન-ડે ઇનિંગ્સમાં ૮૫૮ રન સાથે બીજા ક્રમે છે.

એક દેશમાં સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર વિદેશી પ્લેયર્સ

ઇંગ્લૅન્ડમાં રોહિત શર્મા

૮ સદી

UAEમાં સચિન તેન્ડુલકર

૭ સદી

UAEમાં સઈદ અનવર

૭ સદી

ભારતમાં એ.બી. ડિવિલિયર્સ

૭ સદી

ભારતમાં ક્વિન્ટન ડીકૉક

૭ સદી

 

rohit sharma indian cricket team team india one day international odi india ritika sajdeh cricket news sports sports news