બે મહિના પહેલાં બૅટ પણ સરખી રીતે પકડી નહોતો શકતો રોહિત

14 November, 2014 06:06 AM IST  | 

બે મહિના પહેલાં બૅટ પણ સરખી રીતે પકડી નહોતો શકતો રોહિત




હરિત જોશી


ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં ૧૭૩ બૉલમાં ૨૬૪ રન ફટકારનાર રોહિત શર્મા બે મહિના પહેલાં બૅટ પણ સરખી રીતે નહોતો પકડી શકતો. જમણા હાથની આંગળીઓમાં થયેલી ઈજાને કારણે રોહિતને ઇંગ્લૅન્ડની ટૂર અધવચ્ચે છોડીને સ્વદેશ પરત ફરવાની ફરજ પડી હતી. મુંબઈમાં રોહિત શર્માને ઝડપથી સાજો કરવા માટે ક્રિકેટ બોર્ડ સક્રિય બન્યું હતું. સ્પેશ્યલિસ્ટ ફિઝિયો વૈભવ ડાગાને સમગ્ર જવાબદારી સોંપવામાં આવી. તેના પર લીલાવતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.

સર્જરી બાદ રોહિતને ફિટનેસની કાળજી લેવાનું જણાવવામાં આવ્યું. ઇન્ડોર નેટ્સમાં તેણે પ્રૅક્ટિસ શરૂ કરી. ધીમે-ધીમે રોહિત શર્માએ પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. ત્યાર બાદ આઉટડોર નેટ્સમાં પ્રૅક્ટિસ શરૂ કરવામાં આવી હતી. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ક્યુરેટર નદીમ મેમણને તેણે વિનંતી કરી હતી કે તેના મટે શ્રીલંકા સામેની વૉર્મ-અપ મૅચ પહેલાં એક સેન્ટર વિકેટ તૈયાર કરવામાં આવે. વૉર્મ-અપ મૅચમાં તેણે ૧૧૧ બૉલમાં ૧૪૨ શાનદાર રન કર્યા હતા. તે કલકત્તા માટે ગયો ત્યારે સંપૂર્ણ રીતે તૈયાર હતો. તેના આ પ્રદર્શનથી તેનો પરિવાર પણ બહુ ખુશ છે.