ઈજાને લઈને રોહિતે સ્પષ્ટતા કરી, ‘ટેસ્ટ રમવા તૈયાર છું’

22 November, 2020 10:05 AM IST  |  New Delhi | Agency

ઈજાને લઈને રોહિતે સ્પષ્ટતા કરી, ‘ટેસ્ટ રમવા તૈયાર છું’

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમનો બૅટ્સમૅન રોહિત શર્મા આઇપીએલ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હોવાને લીધે હાલમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં સમય વિતાવી રહ્યો છે અને ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ માટે તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં રોહિતે કહ્યું હતું કે તેની હૅમસ્ટ્રિંગ ઇન્જરી હવે પહેલાં કરતાં સારી છે.

ઈજાગ્રસ્ત થયો હોવાને લીધે રોહિતને પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો, પણ પછી તેણે પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યા બાદ તેને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ વિશે વિગતવાર વાત કરતાં રોહિતે જણાવ્યું કે ‘આઇપીએલ દરમ્યાન મને ખબર નહોતી કે શું ચાલી રહ્યું છે અને લોકો શેની વાત કરી રહ્યા છે, પણ હું અહીં જણાવવા માગું છું કે હું સતત ભારતીય ક્રિકેટ બોર્ડ અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. મેં મુંબઈ ઇન્ડિયન્સને કહ્યું હતું કે આ નાનું ફૉર્મેટ હોવાને લીધે હું રમી શકું છું અને પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકું છું. એક વાર મારું મગજ એ બાબતોમાં ક્લિયર થઈ જાય એટલે હું બરાબર ધ્યાન આપી શકું છું. હૅમસ્ટ્રિંગ હવે સંપૂર્ણ રીતે સારી છે. ધીમે-ધીમે હું લયમાં આવી રહ્યો છું અને સ્ટ્રૉન્ગ બની રહ્યો છું.

ક્રિકેટનું લાંબું ફૉર્મેટ રમતાં પહેલાં હું સુનિશ્ચિત કરવા માગું છું કે હું કોઈ પણ રીતે પાછળ ન રહી જાઉં અને એ માટે જ કદાચ હું અહીં એનસીએમાં છું. બીજા મારા માટે શું કહે છે એ મહત્વનું નથી, પણ એક વાર ઈજાગ્રસ્ત થયા પછી હું આવતા બે દિવસમાં વિચાર કરવા લાગું છું કે આવનારા ૧૦ દિવસમાં હું કેવી રીતે કમબૅક કરી શકીશ અને ક્રિકેટ રમીશ કે નહીં.

હજી મારે મારી હૅમસ્ટ્રિંગ પર કામ કરવાનું છે અને કદાચ એટલે જ ઑસ્ટ્રેલિયા સામેની વાઇટ બૉલ ક્રિકેટમાં મેં ભાગ ન લીધો. ૧૧ દિવસમાં ૬ મૅચ રમવાની છે એના કરતાં મેં વિચાર કર્યો કે ૨૫ દિવસ મારા શરીર પર કામ કરું અને ટેસ્ટ ક્રિકેટમાં પર્ફોર્મ કરું. મારા માટે આ નિર્ણય બરાબર હતો, પણ ખબર નહીં લોકો માટે આ નિર્ણય કેમ જટિલ બની ગયો.’

rohit sharma cricket news sports news test cricket