હૈદરાબાદમાં મુંબઈના બે બૅટ્સમેનોની અણનમ સદી

25 November, 2012 05:03 AM IST  | 

હૈદરાબાદમાં મુંબઈના બે બૅટ્સમેનોની અણનમ સદી



હૈદરાબાદ : હૈદરાબાદમાં ચાર દિવસની રણજી ટ્રોફી મૅચમાં ગઈ કાલે પ્રથમ દિવસે મુંબઈએ બે વિકેટે ૩૨૫ રન બનાવ્યા હતા. હિકેન શાહ (૧૫૪ નૉટઆઉટ, ૨૬૦ બૉલ, ૧૭ ફોર) અને કૅપ્ટન રોહિત શર્મા (૧૦૨ નૉટઆઉટ, ૧૬૧ બૉલ, ૩ સિક્સર, ૯ ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૨૦૩ રનની અતૂટ ભાગીદારી હૈદરાબાદની ટીમ માટે માથાનો દુખાવો થઈ ગઈ હતી.

એ પહેલાં ઓપનર કૌસ્તુભ પવાર એક રન બનાવીને આઉટ થયો હતો અને બીજો ઓપનર આદિત્ય તરે ૬૨ રન બનાવીને રનઆઉટ થયો હતો. તરેની ૧૨૨ રને વિકેટ પડી ત્યાર બાદ હિકેન-રોહિતની ભાગીદારી શરૂ થઈ હતી જે રમતના અંત સુધી ચાલી હતી.

બીજી રણજી મૅચોમાં શું બન્યું?

ભુવનેશ્વરમાં રેલવે સામે ગુજરાત માત્ર ૧૧૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. એમાં કૅપ્ટન પાર્થિવ પટેલના પંચાવન રન હાઇએસ્ટ હતા. ત્રણ બૅટ્સમેનો ખાતું ખોલાવતાં પહેલાં જ આઉટ થઈ ગયા હતા અને ચાર પ્લેયરો સિંગલ ડિજિટમાં રન બનાવી શક્યા હતા. રેલવેના બોલરોમાં પેસબોલર સંજય બાંગડે પાંચ, રાજકોટના લેફ્ટી પેસબોલર હાર્દિક રાઠોડે ત્રણ અને ઉત્તર પ્રદેશના કૃષ્ણકાન્ત ઉપાધ્યાયે બે વિકેટ લીધી હતી. રેલવેએ જવાબમાં બે વિકેટે ૧૪૫ રન બનાવીને ૨૮ રનની લીડ લીધી હતી.

મોહાલીમાં પંજાબ સામે સૌરાષ્ટ્ર માત્ર ૯૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. વિકેટકીપર સાગર જોગિયાણીના ૪૧ રન ટીમમાં સૌથી વધુ હતા. ત્રણ બૅટ્સમેનોએ ખાતું ખોલાવતાં પહેલાં વિકેટ ગુમાવી હતી અને પાંચ પ્લેયરો સિંગલ ડિજિટમાં રન બનાવ્યા પછી આઉટ થયા હતા. પંજાબના અન્ડર-૧૯ વર્લ્ડ કપના હીરો સંદીપ શર્માએ પેસબોલિંગનો પાવર બતાવીને સાત વિકેટ લીધી હતી. જવાબમાં પંજાબ પણ ૧૨૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠું હતું. પેસબોલરો સંદીપ મણિયાર અને સિદ્ધાર્થ ત્રિવેદીએ બે-બે તથા જયદેવ ઉનડકટે એક વિકેટ લીધી હતી.

રોહતકમાં બરોડા સામે હરિયાણાએ પાંચ વિકેટે ૨૨૧ રન બનાવ્યા હતા. પેસબોલર મુર્તઝા વ્હોરાએ અને સ્પિનર ઉત્કર્ષ પટેલે બે-બે વિકેટ લીધી હતી. અંબાતી રાયુડુ બરોડાનો કૅપ્ટન છે અને યુસુફ પઠાણ તથા ઇરફાન પઠાણ ઈજાને કારણે આ મૅચમાં પણ નથી રમી રહ્યા.

દિલ્હીમાં રણજી ટ્રોફીની ચાર દિવસની મૅચમાં ગઈ કાલના પ્રથમ દિવસે તામિલનાડુ સામે દિલ્હીએ ઉન્મુક્ત ચંદ (૧૩૪ નૉટઆઉટ, ૨૨૮ બૉલ, બે સિક્સર, સોળ ફોર) તથા કૅપ્ટન શિખર ધવન (૧૦૪ રન, ૧૭૫ બૉલ, ૧૮ ફોર)ની ૨૦૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી એક વિકેટે ૨૮૭ રન બનાવ્યા હતા. ચંદ સાથે મોહિત શર્મા ૪૦ રને નૉટઆઉટ હતો. તામિલનાડુના લક્ષ્મીપતિ બાલાજીને ૫૦ રનમાં એકેય વિકેટ નહોતી મળી.