રોહિતના રણવીરો આજે જ શ્રેણી જીતી લેવાના મૂડમાં

19 November, 2021 05:48 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ દ્રવિડના કોચિંગમાં બૅટિંગ વધુ અસરદાર બનાવવાનો પ્લાન, ગાયકવાડ, ઈશાન, ચહલ, હર્ષલ, અવેશ ખાનમાંથી કોઈકને આજે મોકો મળે તો નવાઈ નહીં

તસવીરઃPTI

અગાઉ ભારતીય ટીમ વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માના સુકાનમાં ઘણી વાર જીતી છે, પણ હવે તે સત્તાવાર રીતે કૅપ્ટન નિમાયો છે એટલે તેના નેતૃત્વમાં મળતો વિજય વધુ અસરકારક બની રહે છે. બુધવારે જયપુરમાં ન્યુ ઝીલૅન્ડને પ્રથમ ટી૨૦માં પાંચ વિકેટે હરાવ્યા પછી હવે સુકાની રોહિત અને ટીમનો નવો હેડ-કોચ રાહુલ દ્રવિડ આજે જ ભારતને ૨-૦થી સિરીઝ જીતતું જોવા મક્કમ છે. આ જુગલ જોડીએ બુધવારે સહિયારી પહેલી જ મૅચમાં જીતના શ્રીગણેશ માણ્યા અને હવે રાંચીમાં (ધોનીના શહેરમાં) આજે (સાંજે ૭ વાગ્યાથી) જ શ્રેણી જીતી લેવા કોઈ કસર બાકી નથી છોડવા માગતા. એ સાથે ટીમ ઇન્ડિયા ટી૨૦ વર્લ્ડ કપની નિષ્ફળતાને ભુલાવવા માગે છે.

કોહલીની ખોટ નથી વર્તાઈ
બુધવારે ભારત ૧૬૫ રનનો લક્ષ્યાંક બે બૉલ બાકી રાખીને મેળવવામાં સફળ રહ્યું હતું એટલે આજે ટીમ ઇન્ડિયા કોચ દ્રવિડના માર્ગદર્શનથી બૅટિંગને વધુ અસરદાર બનાવીને તેમ જ બોલિંગને પણ વધુ ધારદાર બનાવીને સહેલાઈથી જીતવા માગે છે. એ દિવસે રોહિતે ઓપનિંગમાં કે. એલ. રાહુલ સાથે ૫૦ રનની અને પછી મૅન ઑફ ધ મૅચ સૂર્યકુમાર યાદવ સાથે ૫૯ રનની મૅચવિનિંગ ભાગીદારી કરી હતી. જોકે રોહિતની મૅચ પહેલાં રાહુલ દ્રવિડ સાથેની ‘નવી પાર્ટનરશિપ’ની મૅચ પર ખાસ્સી અસર થતી હોય છે એટલે આજની મૅચમાં પણ ભારત કેન વિલિયમસન વિનાની ન્યુ ઝીલૅન્ડની ટીમ સામે જીતે તો નવાઈ નહીં. સૂર્યકુમાર યાદવે બુધવારે ૪૨ બૉલમાં ૬૨ રન બનાવીને વિરાટ કોહલીની ખોટ નહોતી વર્તાવા દીધી. 

ભુવી-અશ્વિનનાં સફળ કમબૅક
એ દિવસે ત્રીજા જ બૉલમાં મિચલની વિકેટ લેનાર ભુવનેશ્વર અને ૨૩ રનમાં બે વિકેટ લેનાર અશ્વિનના કમબૅક પર્ફોર્મન્સથી ટીમમાં ખુશીનો માહોલ છે. આઇપીએલના સુપરસ્ટાર બૅટર ગાયકવાડને કે ઈશાનને, યુઝવેન્દ્ર ચહલને કે આઇપીએલના નંબર વન બોલર હર્ષલ પટેલને અથવા બીજા સફળ બોલર અવેશ ખાનમાંથી કોઈકને આજે અથવા ૨૧મીની છેલ્લી ટી૨૦માં રમવાનો મોકો મળી શકે. ભારતીયોએ કિવી ટીમમાં ખાસ કરીને ૭૦ રન બનાવનાર ઇન-ફૉર્મ માર્ટિન ગપ્ટિલને અને બુધવારે ૬૩ રનના યોગદાન સાથે ગપ્ટિલ સાથે ૧૦૯ રનની ભાગીદારી કરનાર માર્ક ચૅપમૅનને કાબૂમાં રાખવા પડશે.

sports news world t20 cricket news