ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં નહીં રમી શકે રોહિત અને ઇશાન્ત

25 November, 2020 02:57 PM IST  |  New Delhi | IANS

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં નહીં રમી શકે રોહિત અને ઇશાન્ત

ફાઇલ તસવીર

ઇન્ડિયા–ઑસ્ટ્રેલિયા વચ્ચે એકેય સિરીઝ હજી શરૂ નથી થઈ ત્યાં ભારત માટે ટેસ્ટ સિરીઝના સંદર્ભમાં માઠા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત સમાચાર મુજબ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં પોતાનો ગુમાવેલો લય પાછો પ્રાપ્ત કરી રહેલા રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ગુમાવી શકે છે. આ બન્ને પ્લેયર શરૂઆતની બે ટેસ્ટ મૅચ ગુમાવશે એવા સમાચાર આવ્યા બાદ વધુમાં જાણવા મળ્યું કે તેઓ સંપૂર્ણ સિરીઝ ગુમાવી શકે છે. એક બાજુ પહેલી ટેસ્ટ મૅચ બાદ વિરાટ કોહલી ભારત પાછો ફરી રહ્યો હોવાના સમાચાર લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં બીજી બાજુ આ બન્ને પ્લેયર્સ ટેસ્ટ સિરીઝ ગુમાવશે એવા સમાચારે ક્રિકેટપ્રેમીઓની ચિંતા વધારી દીધી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘જો ઇશાન્ત ટી૨૦ મૅચ રમવાનો હોત તો એમાં માત્ર ૪ ઓવર નાખવાની હોવાથી તે ટીમમાં રમી શકે છે અને એને માટે તેણે વહેલી તકે ઑસ્ટ્રેલિયા રવાના થવું જોઈએ, પણ જો તેને ટેસ્ટ ટીમ માટે રમવાનું હોય તો એને માટે તેને ૪ અઠવાડિયાંની પ્રોપર બોલિંગ-પ્રૅક્ટિસ જરૂરી છે. એનસીએના મતે મૅચ માટે સંપૂર્ણ ફિટ થવા રોહિત અને ઇશાન્તે આવતાં ત્રણ-ચાર અઠવાડિયાંની રાહ જોવી પડશે અને એનસીએ આ બાબતની જાણ બીસીસીઆઇને પોતાની રિપોર્ટમાં પણ કરી છે. વળી જો તેમને ઑસ્ટ્રેલિયા જવાનું થાય તો તેમણે કમર્શિયલ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી હાર્ડ ક્વૉરન્ટીન થવું પડશે. હાર્ડ ક્વૉરન્ટીન એટલે તેઓ ટીમના અન્ય સભ્યોની જેમ ૧૪ દિવસ પ્રૅક્ટિસ નહીં કરી શકે. આવા કિસ્સામાં માત્ર ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પ્લેયરોને ક્વૉરન્ટીન દરમ્યાન પ્રૅક્ટિસ કરવા દેવા માટે ઑસ્ટ્રેલિયન સરકારને વિનંતી કરી શકે છે.’

ishant sharma rohit sharma cricket news test cricket