ઑસ્ટ્રેલિયન કૉમેન્ટેટર પીટર રૉબકની છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા

14 November, 2011 10:32 AM IST  | 

ઑસ્ટ્રેલિયન કૉમેન્ટેટર પીટર રૉબકની છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા



કેપટાઉન : ઇંગ્લૅન્ડમાં જન્મેલા અને વષોર્થી ઑસ્ટ્રેલિયા વતી ક્રિકેટની કૉમેન્ટરી આપતા પીટર રૉબકે શનિવારે રાત્રે સાઉથ આફ્રિકામાં કેપટાઉન નજીક ક્લૅરમૉન્ટની હોટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ક્રિકેટના નામાંકિત અને ભારે લોકચાહના ધરાવતા અંગ્રેજી અખબારોના કૉલમનિસ્ટોમાં રૉબકનો પણ સમાવેશ થતો હતો. તેઓ પંચાવન વર્ષના હતા. શનિવારે રાત્રે ડિનર બાદ હોટેલમાં પોતાની રૂમમાં પાછા આવ્યા બાદ તેમણે ફોન પર સ્થાનિક પોલીસ સાથે વાતચીત કરી અને ત્યાર પછી તેઓ ખૂબ ચિંતિત લાગ્યા હતા. તેમની આત્મહત્યાનો બનાવ રાત્રે સવાનવ વાગ્યે બન્યો હતો. તેઓ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટસિરીઝની કૉમેન્ટરી માટે કેપટાઉનમાં હતા.

કહેવાય છે કે રૉબક હોમોસેક્સ્યુઅલ હતા. એવું પણ મનાય છે કે રૉબક સામે જાતીય હુમલાનો એક આક્ષેપ હતો અને એની તપાસ માટે એ પોલીસ ઑફિસર બનાવની રાત્રે તેમની રૂમમાં આવ્યા હતા. ઑફિસર સાથેની ઉગ્ર વાતચીત દરમ્યાન રૉબક અચાનક ઊભા થયા હતા અને બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. આ આખા બનાવની વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે.

ક્રિકેટના બેટિંગની વિરુદ્ધમાં હતા

રૉબક ક્રિકેટમાં થોડા વષોર્થી વધી ગયેલા બેટિંગના પ્રમાણની સખત વિરુદ્ધમાં હતા. તેઓ ક્રિકેટના આ કરોડો રૂપિયાના કાનૂની તેમ જ ગેરકાનૂની જુગારના વિરોધી હતા અને એ વિરુદ્ધમાં તેમણે ઘણી વખત પોતાના કટાર લેખોમાં લખ્યું પણ હતું.

રૉબક ઘણા વષોર્થી ઑસ્ટ્રેલિયાના ‘સિડની મૉર્નિંગ હેરલ્ડ’ અને બીજા નામાંકિત અખબારો ઉપરાંત અંગ્રેજી ‘મિડ-ડે’માં પણ ક્રિકેટજગત માટે દ્રષ્ટાંતરૂપ બની રહેતી કૉમેન્ટ્સ ધરાવતી કટાર લખતા હતા. તેમના ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ઉપરાંત સાઉથ આફ્રિકાના બે શહેરોમાં ઘર હતા. તેઓ થોડા વષોર્થી પોતાના પરિવારથી અલગ રહેતા હતા.

૩૩૫ મૅચમાં ૧૭,૫૫૮ રન

રૉબક ૧૯૮૦ના દાયકામાં ઇંગ્લૅન્ડમાં સમરસેટની કાઉન્ટી ટીમના કૅપ્ટન હતા. તેઓ ૧૯૭૪થી ૧૯૯૧ દરમ્યાન ૩૩૫ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા જેમાં તેમણે ૩૩ સેન્ચુરી અને ૯૩ હાફ સેન્ચુરીની મદદથી ૧૭,૫૫૮ રન કર્યા હતા. તેઓ ઑફ સ્પિનર પણ હતા અને તેમણે ૭૨ વિકેટ લીધી હતી.

ગાર્નર-રિચર્ડ્સ-બૉથમને ટીમમાંથી કઢાવેલા ૧૯૮૦ના દાયકા દરમ્યાન એક વખત સમરસેટની ટીમમાં તેમનો એ સમયના સાથીપ્લેયરો જોએલ ગાર્નર, વિવ રિચર્ડ્સ અને ઈયાન બૉથમ સાથે તેમના સંબંધો બગડ્યા હતા અને એને પગલે ગાર્નર તથા રિચર્ડ્સની ટીમમાંથી હકાલપટ્ટી થઈ હતી, જ્યારે બૉથમે ટીમ છોડી દીધી હતી.

ક્રિકેટનું ઘેલું લગાડતા કૉમેન્ટેટર

તેઓ ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કોપોર્રેશન (એબીસી)ના ટીવી તેમ જ રેડિયો કૉમેન્ટેટર હતા. એબીસી ગ્રૅન્ડસ્ટૅન્ડના મૅનેજર ક્રેગ નૉરેનબગ્ર્સે www.espncricinfo.com વેબસાઇટને જણાવ્યું હતું કે પીટર રૉબક ક્રિકેટની મૅચોનું, એને સ્પર્શતી રસપ્રદ ઘટનાઓનું અને આ મહાન રમતના અનેક પાસાંઓનું એવી રીતે વર્ણન કરતા હતા કે જે સાંભળીને જે વ્યક્તિને ક્રિકેટમાં ખાસ કંઈ રસ ન હોય તેને પણ આ રમત ગમવા લાગતી હતી.

પૉન્ટિંગની હકાલપટ્ટીની સલાહ આપેલી

૨૦૦૮માં સિડનીટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ભારે વિવાદો વચ્ચે ભારત સામે જીત્યું એને પગલે પીટર રૉબકે એ સમયના સુકાની રિકી પૉન્ટિંગને કૅપ્ટનપદેથી હાંકી કાઢવાની સલાહ એક કૉલમ દ્વારા ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને આપી હતી. જોકે પૉન્ટિંગ પાસેથી કૅપ્ટન્સી છેક એપ્રિલ ૨૦૧૧માં પાછી લઈ લેવામાં આવી હતી અને માઇકલ ક્લાર્કને કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.

કાંગારૂઓને જંગલી કૂતરા કહેલા

૨૦૦૮ની સિડનીટેસ્ટમાં ભારતીય પ્લેયરો સાથે ખરાબ વર્તન કરવા બદલ પીટર રૉબકે ત્યારે પોતાની કૉલમમાં ઑસ્ટ્રેલિયન પ્લેયરોને જંગલી કૂતરા સાથે ઓળખાવીને ક્રિકેટજગતને સ્તબ્ધ કરી દીધું હતું.

પીટર રૉબકે બે દિવસ પહેલાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલન બોર્ડર સાથે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં સુધારો લાવવા કલાકો સુધી ચર્ચા કરી હતી. તેમની આ ચર્ચા ખાસ કરીને ઑસ્ટ્રેલિયન ટીમ કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામેના બીજા દાવમાં માત્ર ૪૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ એને પગલે થઈ હતી.