07 June, 2025 01:21 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent
રૉબ વૉલ્ટર
ન્યુ ઝીલૅન્ડે પોતાના ભૂતપૂર્વ ક્રિકેટર અને હેડ કોચ ગૅરી સ્ટેડ (૫૩ વર્ષ)ના સ્થાને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ હેડ કોચ રૉબ વૉલ્ટર (૪૯ વર્ષ)ને એની મેન્સ ક્રિકેટ ટીમના ત્રણેય ફૉર્મેટના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. રૉબ વૉલ્ટરે જાન્યુઆરી ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૫ સુધી સાઉથ આફ્રિકાની વન-ડે અને T20 ટીમોના કોચની ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ આ ટીમે T20 વર્લ્ડ કપ ૨૦૨૪ ફાઇનલ, વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ સેમી ફાઇનલ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની સેમી ફાઇનલ સુધીની સફર કરી હતી.
વૉલ્ટર પાસે ન્યુ ઝીલૅન્ડમાં પાંચ વર્ષ સુધી સ્થાનિક ટીમોને કોચિંગ આપવાનો પણ અનુભવ છે. ગૅરી સ્ટેડે વર્ષની શરૂઆતમાં જ સંકેત આપ્યા હતા કે તે લિમિટેડ ઓવરના ફૉર્મેટને છોડીને ટેસ્ટ-કોચ તરીકે કોચિંગ આપવા માગે છે. જોકે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે ત્રણેય ફૉર્મેટ માટે એક જ કોચ રાખવાનું પસંદ કર્યું છે. ગૅરી વર્ષ ૨૦૧૮થી ત્રણેય ફૉર્મેટમાં કિવી ટીમના હેડ કોચ હતા. તેમના કોચિંગ હેઠળ કિવી ટીમ ૨૦૧૯ના વન-ડે અને ૨૦૨૧ના T20 વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી, પણ રનર અપ રહી. જોકે તેમના માર્ગદર્શનમાં કિવી ટીમે વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ ૨૦૨૧ની ફાઇનલ મૅચ ભારત સામે જીતી હતી.