14 February, 2026 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયાન પરાગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલાં રાજસ્થાન રૉયલ્સે રિયાન પરાગને પોતાનો રેગ્યુલર કૅપ્ટન જાહેર કર્યો છે. સંજુ સૅમસન ચેન્નઈ સુપર કિંગ્સમાં ગયો એ પછી રાજસ્થાનના કૅપ્ટનનું પદ ખાલી હતું. એ પદ માટે રવીન્દ્ર જાડેજા અને યશસ્વી જાયસવાલ જેવા સ્ટાર પ્લેયર્સ પણ ઉમેદવાર હતા. જોકે આ બધાને પછાડીને ૨૪ વર્ષનો રિયાન પરાગ સુકાની જાહેર થયો છે.
રિયાન પરાગ ગયા વર્ષે રાજસ્થાનનો સાતમો કૅપ્ટન બન્યો હતો. IPL 2025માં સંજુ સૅમસનની ઇન્જરી સમયે રિયાન પરાગે આઠ મૅચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું એમાંથી ટીમ ૬ મૅચ હારી હતી અને બે જીતી હતી. આસામના આ ટૉપ ઑર્ડર બૅટર અને સ્પિનરે IPLની ૮૪ મૅચમાં રાજસ્થાન રૉયલ્સ માટે ૭ ફિફટીની મદદથી ૧૫૬૬ રન કર્યા છે. તેણે ૩૦ ઇનિંગ્સમાં બોલિંગ કરીને ૭ વિકેટ લીધી છે.
રિયાન પરાગને આ ટીમ તરફથી ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન ૨૦ લાખ રૂપિયા, ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ૩.૮૦ કરોડ રૂપિયા, ૨૦૨૫ અને આ વર્ષે ૧૪ કરોડ રૂપિયાની સૅલેરી મળી છે.