રિષભ પંત પહેલી ઇનિંગ્સમાં ફ્લૉપ રહ્યા બાદ બીજી ઇનિંગ્સમાં સંકટમોચક બનીને ચમક્યો

02 November, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ જીતવા માટે ‍આજે યજમાન ટીમને ૧૫૬ રન અને મહેમાન ટીમને ૬ વિકેટની જરૂર

રિષભ પંતે બીજા દાવમાં ૮૧ બૉલમાં ૮ ફોર અને બે સિક્સરના આધારે ૬૪ રન કર્યા હતા.

બૅન્ગલોરમાં ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સમાં ભારત અને સાઉથ આફ્રિકાની A ટીમની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગ્સમાં ૩૦૯ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સ ૪૮.૧ ઓવરમાં ૧૯૯ રનમાં સમેટાઈ જતાં ૨૭૫ રનનો ટાર્ગેટ સેટ કરી શક્યું છે. પહેલી ઇનિંગ્સમાં ૨૩૪ રન કરનાર ભારત ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૩૯ ઓવરમાં ૪ વિકેટે ૧૧૯ રન કરી શક્યું છે. આ ચાર દિવસીય મૅચ જીતવા માટે યજમાન ટીમને આજે ૧૫૬ રન અને મહેમાન ટીમને ૬ વિકેટની જરૂર છે. 

ત્રીજા દિવસે તેરમી ઓવરમાં વિના વિકેટે ૩૦ રનના સ્કોરથી શરૂઆત કરનાર સાઉથ આફ્રિકાના બૅટર્સ ભારતીય બોલર્સના તરખાટ વચ્ચે ૪૦ પ્લસનો વ્યક્તિગત સ્કોર પણ કરી શક્યા નહોતા. બીજી ઇનિંગ્સમાં ભારતના સ્પિનર તનુષ કોટિયને ૮ ઓવરમાં માત્ર ૨૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ ૧૨ ઓવરમાં ૩૯ રન આપીને ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 

ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ ૧૨.૩ ઓવરમાં ૩૨ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન ૧૨ રન, આયુષ મ્હાત્રે ૬ રન અને દેવદત્ત પડિ‍ક્કલ પાંચ રન કરીને આઉટ થતાં ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.‍ જોકે પાંચમા ક્રમે રમીને કૅપ્ટન રિષભ પંતે ફિફ્ટી ફટકારીને ટીમ માટે સંકટમોચકની ભૂમિકા ભજવી હતી. તેણે બીજા દાવમાં અણનમ રહીને ૮૧ બૉલમાં ૮ ફોર અને બે સિક્સરના આધારે ૬૪ રન કર્યા હતા. 

રજત પાટીદારે ૮૭ બૉલમાં ૨૮ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને એક છેડેથી સાથ આપ્યો હતો. ઇન્જરીમાંથી વાપસી કરનાર રિષભ પંત પહેલી ઇનિંગ્સમાં ૨૦ બૉલમાં ૧૭ રન કરી શક્યો હતો. 

sports news sports indian cricket team cricket news Rishabh Pant bengaluru south africa