બ્રાઝિલનો ફેલ્પ્સ?

10 September, 2016 07:10 AM IST  | 

બ્રાઝિલનો ફેલ્પ્સ?









રિયો પૅરાલિમ્પિક્સમાં બ્રાઝિલના ખેલાડી ડૅનિયલ ડાયસે ગોલ્ડ મેડલ સાથે શરૂઆત કરી છે. જોકે તેને અમેરિકાનો બીજો ફેલ્પ્સ ગણી શકાય નહીં, કારણ કે ડૅનિયલ ડાયસ પોતાનું અલગ નામ કરવા ઉત્સુક છે. ૨૮ વર્ષના ડૅનિયલના જમણો હાથ અને પગ જન્મ્યો ત્યારથી જ અવિકસિત હતા. ગઈ કાલે ફાઇનલમાં તેણે અમેરિકાના સ્વિમરને ૧૦ સેકન્ડથી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અત્યાર સુધી તેણે કુલ ૧૬ મેડલ જીત્યા છે, પરંતુ સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધીમાં તે સૌથી વધુ મેડલ જીતનાર પૅરાલિમ્પિયન ખેલાડી બનશે. અત્યાર સુધી આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના સ્વિમર મૅથ્યુ કાઉડ્રીના નામ પર છે, જેણે કુલ ૨૩ મેડલ જીત્યા છે.

ભારતમાં થશે હાઇલાઇટ્સનું પ્રસારણ 


રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા પૅરાલિમ્પિક્સની હાઇલાઇટ્સનું પ્રસારણ સોની પોતાની બે સ્ર્પોટ્સ ચૅનલ SIX અને ESPN પર કરશે. પૅરાલિમ્પિક્સ ૧૮ સપ્ટેમ્બર સુધી ચાલશે. રાષ્ટ્રીય ચૅનલ દૂરદર્શન સહિત કોઈ પણ બ્રૉડકાસ્ટરોએ પૅરાલિમ્પિક્સના પ્રસારણ માટે કોઈ રસ દાખવ્યો નહોતો. હવે સોની ચૅનલમાં દિવસમાં બે વાર હાઇલાઇટ્સનું પ્રસારણ કરશે. સોની ચૅનલે જણાવ્યા પ્રમાણે એ લાઇવ ટેલિકાસ્ટ નહીં કરે, પરંતુ રોજ એક કલાકની હાઇલાઇટ્સ બતાવશે જે SIX અને ESPN ચૅનલ પર અલગ-અલગ સમયે આવશે. ભારતે આ વખતે પૅરાલિમ્પિક્સમાં પોતાનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું છે જેમાં ૧૯ ખેલાડીઓ છે. ૨૦૦૪ ઍૅથેન્સ પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાંઝરિયાએ આ દળનું નેતૃત્વ કર્યું હતું. 

શૂટર નરેશ શર્મા નિષ્ફળ


પૅરાલિમ્પિક્સનો પહેલો દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. શૂટર નરેશકુમાર શર્મા પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં નહોતો પ્રવેશી શક્યો. ક્વૉલિફિકેશન રાઉન્ડમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. નરેશે ચાર સિરીઝમાં કુલ ૫૮૩ સ્કોર કર્યો હતો. પરિણામે તે છેલ્લા ક્રમાંક પર રહ્યો હતો. સ્પર્ધામાં ટોચના આઠ શૂટરો ફાઇનલમાં પહોંચ્યા હતા.

સહેજ માટે બ્રૉન્ઝ ચૂક્યો ભારતીય પહેલવાન


રિયોમાં આયોજિત પૅરાલિમ્પિક ગેમ્સના પહેલા દિવસે ભારતીય પાવરલિફ્ટર ફરમાન બાશા ૧૪૦ કિલોગ્રામ વજન ઊંચકીને ૪૯ કિલોગ્રામ કૅટેગરીમાં ચોથા ક્રમાંક પર રહ્યો હતો. આ રીતે બાશા બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયો હતો. બાશાએ પહેલા પ્રયાસમાં ૧૪૦ કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. જોકે બીજા અને ત્રીજા પ્રયાસમાં ૧૫૦ કિલોગ્રામ અને ૧૫૫ કિલોગ્રામ વજન ઊંચકવામાં નિષ્ફળ ગયો હતો અને ચોથા ક્રમાંક પર આવ્યો હતો. વિયેટનામના લે વૅન કૉન્ગે પોતાના ત્રીજા પ્રયાસમાં ૧૮૧ કિલોગ્રામ વજન ઊંચકીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. એશિયન પૅરા ગેમ્સ ૨૦૧૦ના બ્રૉન્ઝ મેડલ વિજેતા બાશાનો બ્રૉન્ઝ મેડલ સિલ્વર મેડલમાં પરિવર્તિત થયો હતો. જ્યારે શરૂઆતમાં સિલ્વર મેડલ જીતનાર ખેલાડી ડોપિંગમાં દોષી સાબિત થયો હતો.