27 April, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહ
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના પાવરહિટિંગ બૅટર રિન્કુ સિંહે IPLમાં ૩૦૦ રનનો આંકડો પાર કરવાની શક્યતાને સમર્થન આપ્યું છે. ૨૭ વર્ષનો રિન્કુ કહે છે, ‘IPL એ તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં ૩૦૦ રન પણ શક્ય છે. ગયા વર્ષે પંજાબે ૨૬૨ રનનો પીછો કર્યો હતો. આ સીઝનમાં બધી ટીમ મજબૂત છે, કોઈ પણ ૩૦૦ સુધી પહોંચી શકે છે.’
ફિનિશર તરીકે પોતાની ભૂમિકા વિશે વાત કરતાં રિન્કુ સિંહ કહે છે, ‘હું સામાન્ય રીતે પાંચમા કે છઠ્ઠા નંબર પર બૅટિંગ કરું છું. મેં ઉત્તર પ્રદેશ અને IPLમાં આ કર્યું છે એથી હું એનાથી ટેવાયેલો છું. હું ફિટનેસ પર ખૂબ ધ્યાન આપું છું કારણ કે IPLમાં ૧૪ મૅચો સાથે, મારા શરીરને ફિટ રાખવાની અને સારી રીતે સ્વસ્થ થવાની જવાબદારી મારી છે. હું માહીભાઈ (મહેન્દ્ર સિંહ ધોની) સાથે પણ વારંવાર વાત કરું છું. તેઓ મને શાંત રહેવા અને મૅચની પરિસ્થિતિ અનુસાર રમવાનું કહે છે. જ્યારે તમે શાંત રહો છો ત્યારે વસ્તુઓ પોતાની મેળે જ થઈ જાય છે.’