10 October, 2025 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહ
ભારતના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહને અન્ડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હોવાના અહેવાલ મળ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડી-કંપની તરીકે ઓળખાતી કુખ્યાત દાઉદ ઇબ્રાહિમ ગૅન્ગે ફેબ્રુઆરી અને એપ્રિલ ૨૦૨૫ વચ્ચે ૩ વખત રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને પાંચ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મોકલી હતી.
ઉત્તર પ્રદેશના અલીગઢના એક સામાન્ય પરિવારમાંથી આવેલા રિન્કુએ પોતાની શાનદાર ક્રિકેટ કરીઅરથી લોકપ્રિયતા મેળવી છે. હાલમાં જ સંસદસભ્ય પ્રિયા સરોજ સાથે સગાઈ કરનાર રિન્કુને હવે તેની વધતી જતી ખ્યાતિ સાથે સુરક્ષા-ચિંતાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે આ કેસમાં વેસ્ટ ઇન્ડીઝથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. અહેવાલ અનુસાર આ આરોપીઓની અગાઉ દિવંગત વિધાનસભ્ય બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકી પાસે ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.