ભારતીય ક્રિકેટરોની બોર્ડને સલાહ, કાં DRSને સ્વીકારો અન્યથા નુકસાની માટે તૈયાર રહો

22 December, 2014 03:48 AM IST  | 

ભારતીય ક્રિકેટરોની બોર્ડને સલાહ, કાં DRSને સ્વીકારો અન્યથા નુકસાની માટે તૈયાર રહો




ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમની થયેલી હારને કારણે ઘણી વસ્તુઓ ખૂલીને સામે આવવા લાગી છે. કેટલાક ખરાબ નિર્ણયોએ મૅચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે કેટલાક વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો વિવાદાસ્પદ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)ના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમનું માનવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આને મંજૂરી આપી દેવી જોઈએ, કારણ કે આ ટેક્નિકનો સ્વીકાર ન કરવાથી ટીમને ભારે નુકસાન થઈ રહ્યું છે.

પહેલી બે ટેસ્ટ-મૅચમાં પાંચ વખત અમ્પાયરોનો નિર્ણય ભારત માટે નુકસાનકારક સાબિત થયો હતો. ધોનીએ પણ કહ્યું હતું કે પ્રવાસી ટીમને આને કારણે વધુ નુકસાન ગયું છે. જોકે તેણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે DRS હોત તો પણ ખાસ કોઈ ફરક ન પડત. સ્પિનર હરભજન સિંહે કહ્યું હતું કે જો DRS ૯૦ ટકા પણ સાચી હોય તો પણ કેટલાક મહત્વના નિર્ણયો ટીમના સમર્થનમાં આવ્યા હોત. ભૂતપૂર્વ બૅટ્સમૅન વી. વી. એસ. લક્ષ્મણે કહ્યું હતું કે ‘કોઈ પણ ફુલપ્રૂફ સિસ્ટમ સાચો નિર્ણય આપે એનું સ્વાગત છે. હું DRSની વિરોધમાં નથી, પરંતુ એને ફુલપ્રૂફ બનાવવામાં હજી ઘણો સમય લાગશે.’

ભારત તરફથી ૯૯ ટેસ્ટ રમનાર મોહમ્મદ અઝહરુદ્દીનના મતે જો ક્રિકેટ રમતા અન્ય દેશો એના ઉપયોગની સામે વિરોધ નથી દર્શાવતા તો ભારત શા માટે એની અવગણના કરી રહ્યું છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ઘણા નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા જે ભારતની તરફેણમાં ગયા હોત. અજિત વાડેકર પણ DRSના સમર્થનમાં છે. તેમણે કહ્યું હતું કે DRSનો ઉપયોગ ન કરવાનું સૌથી વધુ નુકસાન ભારતને થયું છે. ભૂતપૂર્વ બૅટ્સમૅન ચંદુ બોર્ડેએ કહ્યું હતું કે DRSની એક બે ખામીઓને કારણે એનો અસ્વીકારન ન કરવો જોઈએ.