બીજી ટ્રિપલ સાથે જાડેજા થઈ ગયો લક્ષ્મણ-જાફરની જોડે

13 November, 2012 06:12 AM IST  | 

બીજી ટ્રિપલ સાથે જાડેજા થઈ ગયો લક્ષ્મણ-જાફરની જોડે



સુરત: રણજી ટ્રોફીમાં ગઈ કાલે ગુજરાત સામે ડ્રૉ થયેલી મૅચમાં રવીન્દ્ર જાડેજા (૩૦૩ નૉટઆઉટ, ૫૬૧ બૉલ, ૪ સિક્સર, ૩૭ ફોર)એ ટ્રિપલ સેન્ચુરી ફટકારીને સૌરાષ્ટ્રને ૧૧૬ રનની લીડ અપાવવાની સાથે ત્રણ પૉઇન્ટ અપાવ્યા હતા. ગુજરાતને એક જ પૉઇન્ટ મળ્યો હતો. ગુજરાતે પ્રથમ દાવ ૯ વિકેટે ૬૦૦ રનના ટોટલ પર ડિક્લેર કયોર્ ત્યાર પછી ગઈ કાલે ચોથા અને છેલ્લા દિવસની રમતને અંતે સૌરાષ્ટ્રના ત્રણ વિકેટે ૭૧૬ રન હતા જેમાં સાગર જોગિયાણી (૨૮૨ રન, ૬૫૧ બૉલ, ૨ સિક્સર, ૩૫ ફોર)નું પણ મોટું યોગદાન હતું.

જાડેજા રણજીમાં બીજી વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારના વીવીએસ લક્ષ્મણ અને વસીમ જાફર પછીનો ત્રીજો પ્લેયર છે. જાડેજાએ આગલી ટ્રિપલ ગયા વર્ષની શરૂઆતમાં ઓડિસા સામે ફટકારી હતી. ગઈ કાલે તેની અને જોગિયાણી વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૩૯ રનની ભાગીદારી થઈ હતી. ત્રીજી વિકેટ માટે રણજીની આ હાઇએસ્ટ પાર્ટનરશિપ છે. જોકે રણજીની તમામ ભાગીદારીઓમાં વિજય હઝારે-ગુલ મોહમ્મદ વચ્ચેની સવોર્ચ્ચ ૫૭૭ રનની ભાગીદારી જાડેજા-જોગિયાણી ૩૮ રન દૂર રહી ગયા હતા.

પંજાબ પાછું એક ઇનિંગ્સથી જીત્યું : રાજસ્થાન સામેની ડ્રૉમાં મુંબઈને મળ્યાં ૩ પૉઇન્ટ

મોહાલીની રણજી મૅચમાં પંજાબે બેન્ગાલને એક ઇનિંગ્સ અને ૨૭ રનથી પરાજય આપીને બોનસના પૉઇન્ટ સહિત કુલ સાત પૉઇન્ટ મેળવ્યા હતા. પંજાબનો આ રણજી સીઝનમાં આ સતત બીજો એક દાવથી મેળવેલો વિજય હતો. પંજાબના મનપ્રીત ગોનીએ છઠ્ઠી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

જયપુરમાં મુંબઈ અને રાજસ્થાન મૅચ ડ્રૉ થઈ હતી. જોકે પ્રથમ દાવની ૧૦૧ રનની લીડ બદલ મુંબઈને ત્રણ મળ્યાં હતા, જ્યારે રાજસ્થાનને એક પૉઇન્ટ મળ્યો હતો. મુંબઈ ગઈ કાલે પ્રથમ દાવમાં ૫૭૯ રને ઑલઆઉટ થયું એમાં હિકેન શાહ (૧૪૦)ની રવિવારની સદી ઉપરાંત ગઈ કાલની અભિષેક નાયર (૧૦૫ નૉટઆઉટ)ની સેન્ચુરીનો પણ સમાવેશ હતો.

ઉત્તર પ્રદેશ સામેની હાર પછી ગઈ કાલે દિલ્હીમાં સેહવાગ-ગંભીર-કોહલી વિનાની દિલ્હીની ટીમે ઓડિસાને ૧૦ વિકેટે હરાવીને બોનસના પૉઇન્ટ સહિત કુલ ૭ પૉઇન્ટ મેળવ્યા હતા. દિલ્હીએ ૮૨ રનનો ટાર્ગેટ વિના વિકેટે મેળવ્યો હતો.

નોંધ : હૈદરાબાદ-મધ્ય પ્રદેશ મૅચ, તામિલનાડુ-કર્ણાટક મૅચ, મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશ અને વિદર્ભ-બરોડા મૅચ ડ્રૉ થઈ હતી.