રવિન્દ્ર જાડેજાએ કહ્યું થૅન્ક યુ મમ્મી...

10 December, 2012 05:55 AM IST  | 

રવિન્દ્ર જાડેજાએ કહ્યું થૅન્ક યુ મમ્મી...




(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૧૦

ઇંગ્લૅન્ડ સામે ગુરુવારથી નાગપુરમાં રમાનારી ચોથી ટેસ્ટ-મૅચ માટેની ટીમમાં રવીન્દ્ર જાડેજા સિલેક્ટ થયો ત્યારે તે રાજકોટના ખંઢેરી ગામે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં હતો.

ટેસ્ટ-ટીમમાં સિલેક્ટ થયાના ન્યુઝ તેને મળ્યા ત્યારે તેણે સૌથી પહેલાં આંખ બંધ કરીને ગુજરી ગયેલાં મમ્મીને યાદ કરીને તેમનો આભાર માન્યો હતો. રવીન્દ્ર જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીને વન-ડે કે વ્૨૦ મૅચમાં બહુ સમજ નહોતી પડતી. તેમની ઇચ્છા હતી કે હું ઇન્ડિયાની ટેસ્ટ-ટીમમાં રમું અને દેશની સાથે તેમનું નામ પણ રોશન કરું. ફાઇનલી મમ્મીના એ સપનાને પૂરું કરવાના દિવસો આવી ગયા હોય એવું મને લાગે છે. આજે હું ખૂબ ખુશ છું અને મારી આ ખુશી વખતે મારી મમ્મી મારી પાસે નથી એનું મને દુ:ખ છે, પણ ઈશ્વરની જેવી ઇચ્છા. થૅન્ક યુ મમ્મી, આઇ એમ મિસિંગ યુ.’

ચોથી ટેસ્ટની ઇલેવનમાં જો રવીન્દ્રનો સમાવેશ કરવામાં આવશે તો રવીન્દ્ર ઑલરાઉન્ડર પ્લેયરનો પર્ફોર્મન્સ આપવા માગે છે. રવીન્દ્રે કહ્યું હતું કે ‘આમ પણ મારું સિલેક્શન ઑલરાઉન્ડર પ્લેયરની જે જગ્યા ખાલી હતી એ જગ્યા માટે થયું છે એવું મને ટીમ-મૅનેજરે કહ્યું છે. લેટ્સ સી. ઇલેવનમાં મારો સમાવેશ થાય છે કે પછી હજી મારે થોડી રાહ જોવી પડે છે.’

ચેતેશ્વર પુજારા પછી ટેસ્ટ-ટીમમાં સિલેક્શન થયું હોય એવો રવીન્દ્ર બીજો કાઠિયાવાડી પ્લેયર છે. રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્વર એમ બન્ને પ્લેયરોને જો ચોથી ટેસ્ટમાં રમાડવામાં આવશે તો બે કાઠિયાવાડી પ્લેયરો એકસાથે ટીમ ઇન્ડિયા માટે રમતા હોય એવો કદાચ આ પહેલો પ્રસંગ બનશે.

 તસવીર : ચિરાગ ચોટલિયા