રવીન્દ્ર જાડેજાએ જીત બાદ કહ્યું પોતાને સાબિત કરવા રમું છું

24 December, 2019 12:40 PM IST  |  Mumbai

રવીન્દ્ર જાડેજાએ જીત બાદ કહ્યું પોતાને સાબિત કરવા રમું છું

રવિન્દ્ર જાડેજા

(આઇ.એ.એન.એસ.) વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ફિનિશરની ભૂમિકા ભજવનાર રવીન્દ્ર જાડેજાએ ફરી એક વાર મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ સિરીઝ ભારતે ૨-૧થી જીતી પોતાનો વિજયરથ યથાવત્ રાખ્યો હતો. જોકે ફિનિશર રવીન્દ્ર જાડેજાએ પોતાના બેબાક અંદાજમાં વાત કરતાં કહ્યું હતું કે તે મૅચમાં દુનિયાને સાબિતી આપવા નહીં, પણ પોતાની જાતને સાબિતી આપવા માટે રમે છે. આ વિશે વધુ જણાવતાં જાડેજાએ કહ્યું હતું કે ‘મને જ્યારે પણ તક મળે છે ત્યારે હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. મારે મારી જાતને સાબિતી આપવાની હોય છે કે હું રમવા માટે સક્ષમ છું કે નહીં. મારે બીજા કોઈને કે દુનિયાને સાબિતી આપવાની જરૂરત નથી. બૅટિંગ, બોલિંગ કે ફીલ્ડિંગ હોય, હું દરેક ડિપાર્ટમેન્ટમાં મારું બેસ્ટ આપવાની ટ્રાય કરું છું.’

છેલ્લી મૅચમાં પોતાની ગેમ વિશે વાત કરતાં જડ્ડુએ કહ્યું હતું કે ‘મારી ઇનિંગ ઘણી મહત્ત્વની અને નિર્ણાયક હતી કેમ કે એના પર સિરીઝના પરિણામ આધારિત હતા. હું જ્યારે ક્રિસ પર આવ્યો ત્યારે મને હતું કે હું વિરાટ સાથે મૅચ ફિનિશ કરીશ. બૅટિંગ માટે પીચ ઘણી સારી હતી. અમે મેદાનમાં ઘણી ચર્ચા પણ કરતા હતા. બદનસીબે તેની વિકેટ પડી ગઈ હતી અને તેણે મને એક પણ ભૂલ ન કરવાની સલાહ આપી હતી. ખરું કહું તો વિરાટના આઉટ થયા બાદ હું સતત મારી જાતને કહેતો હતો કે મારે છેલ્લા બૉલ સુધી રમવું છે. શાર્દુલ જ્યારે ક્રિસ પર આવ્યો ત્યારે હું તેને એ જ કહેતો હતો કે કોહલી મને કહેતો હતો કે નૉર્મલ ગેમ રમજે અને કંઈ પણ ભૂલ ન કરતો કેમ કે વિકેટ સારી છે અને બૉલ પણ સારા આવી રહ્યા છે.’

cricket news ravindra jadeja team india