રવીન્દ્ર જાડેજા આવી ગયો બ્રૅડમૅન-લારાની હરોળમાં

03 December, 2012 05:15 AM IST  | 

રવીન્દ્ર જાડેજા આવી ગયો બ્રૅડમૅન-લારાની હરોળમાં





રાજકોટ: જામનગરના રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે રાજકોટમાં ચાલી રહેલી રણજી મૅચમાં અણનમ ૩૨૦ રનની આકર્ષક ઇનિંગ્સ સાથે રેકૉર્ડ-બુકમાં સ્થાન મેળવી લીધું હતું. રવીન્દ્ર જાડેજાની ફસ્ર્ટક્લાસ ક્રિકેટમાં આ ત્રીજી ટ્રિપલ સેન્ચુરી હતી. ફસ્ર્ટક્લાસ ક્રિકેટમાં ત્રણ ટ્રિપલ સેન્ચુરી સાથે જાડેજા સર ડૉનાલ્ડ બ્રૅડમૅન, બ્રાયન લારા, બિલ પૉન્સફોર્ડ, વૅલી હેમન્ડ્સ, ડબ્લ્યુ. જી. ગ્રેસ, ગ્રેમ હિક અને માઇક હસી બાદ આઠમો ખેલાડી બન્યો હતો.

વીરુ-લક્ષ્મણ-જાફરને પાછળ પાડ્યા

વીરેન્દ્ર સેહવાગે ટેસ્ટમાં અને વીવીએસ લક્ષ્મણ તથા વસીમ જાફરે રણજીમાં બે વાર ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. નવેમ્બર ૨૦૧૧માં ઓડિશા સામે પહેલી વાર (૩૧૪) અને ગયા મહિને આ સીઝનની પહેલી જ મૅચમાં ગુજરાત સામે બીજી વાર ટ્રિપલ સેન્ચુરી (અણનમ ૩૦૩) ફટકારનાર જાડેજા ગઈ કાલે ફરી કમાલ કરીને ત્રણ ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો હતો.

આ ઉપરાંત એક જ સીઝનમાં બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર જાડેજા પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો.

જાડેજાએ ગઈ કાલે ૩૦૩મો રન બનાવ્યો ત્યારે ફસ્ર્ટક્લાસ ક્રિકેટમાં તેણે ૩૦૦૦ રન પર પૂરા કરી લીધા હતા.

ટીમને મુશ્કેલમાંથી ઉગારી

જાડેજા જ્યારે મેદાનમાં ઊતયોર્ ત્યારે રેલ્ાવે સામે સૌરાષ્ટ્ર ૯૦ રનમાં ૪ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતું, પણ જાડેજાની અણનમ ૩૨૦ રનની યાદગાર ઇનિંગ્સ વડે ગઈ કાલે દિવસના અંતે સૌરાષ્ટ્રે ૬ વિકેટે ૫૩૪ રનનો તોતિંગ સ્કોર ઊભો કરી દીધો હતો.