13 November, 2025 10:06 AM IST | Kabul | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાને વધુ એક નિકાહ કરી લીધા હોવાની ચર્ચા સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ હતી. આ ચર્ચા વાઇરલ થવાનું કારણ હતું એક ચૅરિટી ઇવેન્ટ દરમ્યાનનો તેનો એક અજાણી સુંદર કન્યા સાથેનો ફોટો.
રાશિદ ખાને ગયા વર્ષે ઑક્ટોબરમાં માસીની દીકરી સાથે નિકાહ કર્યા હતા અને આ વર્ષે બીજી ઑગસ્ટે બીજી વાર નિકાહ કર્યા હતા. ત્રણ જ મહિનામાં ફરી નિકાહને લીધે ચાહકોને ખૂબ નવાઈ લાગી હતી, પણ આખરે રાશિદ ખાને ખુલાસો કર્યો છે કે ‘જે કન્યા સાથેનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે એ મારી બીજી પત્ની જ છે. પરિવારની પરંપરા પ્રમાણે મેં ક્યારેય પત્નીનો ચહેરો જાહેર નહોતો કર્યો.’
રાશિદે પોસ્ટમાં લખ્યું હતું કે ‘૨૦૨૫ની બીજી ઑગસ્ટે મેં મારા જીવનનો એક નવો અને સાર્થક અધ્યાય શરૂ કર્યો હતો અને મેં નિકાહ કર્યા હતા અને એવી સ્ત્રી સાથે સંબંધમાં જોડાયો છું જે પ્રેમ, શાંતિ અને સહકાર્યું પ્રતીક છે, જેની હું હંમેશાં આશા રાખી રહ્યો હતો. તાજેતરમાં હું મારી પત્નીને એક ચૅરિટી ઇવેન્ટમાં લઈ ગયો હતો. એક સામાન્ય બાબતમાંથી ધારણાઓ બાંધવામાં આવી રહી છે એ દુભાગ્યપૂર્ણ છે. સાચી અને સીધી વાત, તે મારી પત્ની છે અને અમારે કાંઈ છુપાવવાનું નથી. જેમણે પણ સમજદારી બતાવી અને સાથ આપ્યો એ બધાનો આભાર.’