ફિટનેસ-ટેસ્ટમાં પાસ થાય તો કેરળની ટીમમાંથી રણજી ટ્રોફી રમશે શ્રીસાન્ત

19 June, 2020 11:57 AM IST  |  New Delhi | Agencies

ફિટનેસ-ટેસ્ટમાં પાસ થાય તો કેરળની ટીમમાંથી રણજી ટ્રોફી રમશે શ્રીસાન્ત

શ્રીસાન્ત

ભારતીય ક્રિકેટર શ્રીસાન્ત માટે હાલમાં એક સારા સમાચાર આવ્યા છે. કેરળ ક્રિકેટ અસોસિયએશને જાહેર કર્યું છે કે જો શ્રીસાન્ત ફિટનેસ-ટેસ્ટમાં પાસ થાય તો રણજી ટીમમાં તેને સ્થાન આપી શકાય. આ વર્ષના સપ્ટેમ્બરમાં શ્રીસાન્ત પર લાગેલો પ્રતિબંધ પૂરો થઈ રહ્યો છે. ૨૦૧૩માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સ્પૉટ-ફિક્સિંગના મામલે શ્રીસાન્ત પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે પછીથી દિલ્હીની સ્પેશ્યલ કોર્ટે ૨૦૧૫માં તેના પરના પ્રતિબંધમાં થોડી હળવાશ કરી આપી હતી. તેના પર ૭ વર્ષનો બૅન લગાવવામાં આવ્યો હતો. એવામાં આ સમાચાર શ્રીસાન્ત માટે ઘણા અગત્યના છે. કેરળ રણજી કોચ ટીનુ યોહનનનું કહેવું છે કે ‘કેસીએ નક્કી કર્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં શ્રીસાન્ત પર લાગેલો પ્રતિબંધ પૂરો થાય છે જેને લીધે ટીમમાં સ્થાન મેળવવા માટે તેને કન્સિડર કરવામાં આવશે. જોકે ટીમમાં સ્થાન મળશે કે નહીં એ વાત તેની ફિટનેસ પર આધાર રાખે છે. તેણે તેની ફિટનેસ સાબિત કરવી પડશે. હાલના સમયમાં તો ક્રિકેટજગતમાં કોઈ પણ પ્રકારની ઍક્ટિવિટી નથી થઈ રહી. આવનારા દિવસોમાં કઈ રીતે આગળ વધવામાં આવશે એ વિશે હાલમાં કંઈ પણ કહી શકાય એમ નથી. અમે સૌ તેને ફરીથી રમતો જોવા માગીએ છીએ અને ટીમમાં તેનું સ્વાગત કરવા ઇચ્છીએ છીએ. ખરું કહું તો તેણે હવે કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે તેણે તેની ક્ષમતા પહેલાં જ સાબિત કરી બતાવી છે. ગેમ રમવા માટે અમે તેને દરેક પ્રકારનું પ્રોત્સાહન અને ટેકો આપવા માટે તૈયાર છીએ. મહત્ત્વની વાત એ છે કે તે ૭ વર્ષ પછી રમી રહ્યો છે માટે તે કેવું પર્ફોર્મ કરશે એ જોવાનું રહેશે.’

s sreesanth kerala board of control for cricket in india cricket news sports news