બાપ તેવા બેટા : સચિનની જેમ અર્જુનની પણ રણજી ડેબ્યુમાં સદી

15 December, 2022 12:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૧૯૮૮માં તેન્ડુલકર-સિનિયરે વાનખેડેમાં પોતાની પહેલી જ રણજી ટ્રોફી મૅચમાં સદી (૧૦૦ અણનમ) ફટકારી હતી

સચિન તેન્ડુલકર અને અર્જુન તેન્ડુલકર

અર્જુન તેન્ડુલકરે પિતા સચિનની ૩૪ વર્ષ પહેલાંની સિદ્ધિનું ગઈ કાલે યાદગાર અનુકરણ કર્યું હતું. ડિસેમ્બર ૧૯૮૮માં તેન્ડુલકર-સિનિયરે વાનખેડેમાં પોતાની પહેલી જ રણજી ટ્રોફી મૅચમાં સદી (૧૦૦ અણનમ) ફટકારી હતી. તેન્ડુલકર-જુનિયર પણ ગઈ કાલે ગોવામાં પોર્વોરિમના ગ્રાઉન્ડ પર પોતાની ડેબ્યુ રણજી મૅચમાં સેન્ચુરી (૧૨૦ રન, ૨૦૭ બૉલ, બે સિક્સર, સોળ ફોર) ફટકારીને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.

સચિન સાડાત્રણ દાયકા પહેલાંની આ સિદ્ધિ વખતે ૧૫ વર્ષનો હતો. અર્જુન ૨૩ વર્ષનો છે. સચિને ત્યારે ૧૯૮૮માં બૉમ્બે વતી રમીને ગુજરાત સામેની મૅચમાં ઐતિહાસિક સદી ફટકારી હતી. એ મૅચ ડ્રૉ ગઈ હતી. અર્જુન ગોવા વતી રમી રહ્યો છે અને તેણે પોતાની પહેલી જ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં સદી ફટકારીને ગોવાની ટીમને રાજસ્થાન સામે મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. જોકે મુંબઈના ગઈ કાલના બીજા દિવસના ૪૯૩/૮ના સ્કોરમાં સુયશ પ્રભુદેસાઈ (૨૧૨ રન, ૪૧૬ બૉલ, ૨૯ ફોર)નું સૌથી મોટું યોગદાન છે. અગાઉ મુંબઈ વતી રમેલો સિદ્ધેશ લાડ પણ ગોવા વતી રમે છે. તે ગઈ કાલે ૧૭ રન કરીને આઉટ થઈ ગયો હતો. રાજસ્થાનના ચાર બોલર્સને બે-બે વિકેટ મળી હતી.

અન્ય રણજી મૅચોમાં શું બન્યું?

(૧)  વિઝિયાનગરમમાં નવી રણજી સીઝનની ચાર-દિવસીય પ્રથમ મૅચમાં ગઈ કાલે બીજા દિવસે આંધ્રના ૨૩૮ રનના જવાબમાં મુંબઈએ ૬ વિકેટે ૨૯૦ રન બનાવ્યા હતા, જેમાં અરમાન જાફર (૧૧૬ અણનમ)નું સૌથી મોટું યોગદાન હતું. યશસ્વી જૈસવાલે ૪૫ રન બનાવ્યા હતા, જ્યારે આંધ્રની ચાર વિકેટ લેનાર તનુશ કોટિયન ૪૩ રને રમી રહ્યો હતો.

(૨) ગુવાહાટીમાં ચેતન સાકરિયાની પાંચ વિકેટને કારણે આસામની ટીમ ૨૮૬ રન પર ઑલઆઉટ થઈ ગયા બાદ સૌરાષ્ટ્રએ હાર્વિક દેસાઈના ૧૦૮ અને જય ગોહિલના અણનમ ૧૭૭ રનની મદદથી ૩ વિકેટે ૩૧૩ રન બનાવ્યા.

(૩) કટકમાં ઓડિશાએ પાંચ બૅટરની હાફ સેન્ચુરીની મદદથી ૪૫૭ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો ત્યાર પછી બરોડાએ વિના વિકેટે ૭૭ રન બનાવ્યા.

(૪) અગરતલામાં ગુજરાતે કૅપ્ટન પ્રિયાંક પંચાલના ૧૧ રન તથા ચિંતન ગજાના ૬૮ રનની મદદથી ૨૭૧ રન બનાવ્યા ત્યાર બાદ ત્રિપુરા ૨૪૪ રનમાં ૬ વિકેટ ગુમાવી બેઠું હતું. બે બૅટર રનઆઉટ થયા હતા.

(૫) જમ્મુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશે યશ દુબેના ૮૧ રન અને રજત પાટીદારના ૬૨ રનની મદદથી ૩૦૮ રન બનાવ્યા ત્યાર પછી જમ્મુ ઍન્ડ કાશ્મીરની ટીમ માત્ર ૯૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. એમપીના અવેશ ખાને પાંચ અને સારાંશ જૈને ચાર વિકેટ લીધી હતી.

(૬) પુણેમાં દિલ્હીની ટીમ મનોજ ઇંગ્ળેની પાંચ વિકેટ અને રાજવર્ધન હંગારગેકરની ત્રણ વિકેટને લીધે ૧૯૧ રનમાં ઑલઆઉટ થઈ ગયા બાદ મહારાષ્ટ્રએ અઝીમ કાઝીના અણનમ ૧૧૯ રનની મદદથી ૭ વિકેટે ૩૦૫ રન બનાવ્યા હતા.

sports news sports cricket news test cricket ranji trophy sachin tendulkar arjun tendulkar wankhede