26 January, 2025 08:11 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પહેલી ઇનિંગ્સમાં ચાર રન કરનાર શુભમન ગિલે બીજી ઇનિંગ્સમાં ૧૭૧ બૉલમાં ૧૦૨ રનની ઇનિંગ્સ રમી.
બૅન્ગલોરમાં ગઈ કાલે પંજાબ સામે કર્ણાટકની ટીમે એક ઇનિંગ્સ અને ૨૦૭ રને શાનદાર જીત મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં પંજાબના પંચાવન રનના સ્કોર સામે કર્ણાટકે ૪૭૫ રન ખડકી દીધા હતા. ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં પંજાબની ટીમ ૬૩.૪ ઓવરમાં ૨૧૩ રને સમેટાઈ જતાં કર્ણાટકે ધમાકેદાર જીત મેળવી હતી. ગ્રુપ Cમાં કર્ણાટકની ટીમ ૧૯ પૉઇન્ટ સાથે હરિયાણા (૨૬ પૉઇન્ટ) બાદ બીજા ક્રમે છે, જ્યારે પંજાબની ટીમ ૧૧ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.
પહેલી ઇનિંગ્સમાં ૮ બૉલમાં ચાર રન કરનાર કૅપ્ટન શુભમન ગિલે બીજી ઇનિંગ્સમાં ૧૭૧ બૉલમાં ૧૪ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૦૨ રનની ઇનિંગ્સ રમી હતી. સ્પિનર શ્રેયસ ગોપાલની ઓવરમાં તે લેગ બિફોર વિકેટ આઉટ થયો હતો. અમ્પાયરના નિર્ણયથી નારાજ શુભમન ગિલે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) ઉપલબ્ધ ન હોવાથી મેદાન પર બૅટ ફેંકી દીધું હતું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની ૧૪મી સેન્ચુરી છે. તેણે છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં પંજાબ સામે વિદર્ભ સામે સેન્ચુરી ફટકારી હતી. પાંચ વર્ષ બાદ પંજાબની ટીમ માટે સેન્ચુરી ફટકારવા છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.