ઑસ્ટ્રેલિયાની વન-ડે સિરીઝમાં રોહિતના ન રમવાથી ભારતને નુકસાન થશે

20 November, 2020 02:47 PM IST  |  New Delhi | Agencies

ઑસ્ટ્રેલિયાની વન-ડે સિરીઝમાં રોહિતના ન રમવાથી ભારતને નુકસાન થશે

રમીઝ રાજા

ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૨૭ નવેમ્બરથી વન-ડે સિરીઝના મહામુકાબલાની શરૂઆત થવાની છે એવામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન રમીઝ રાજાને લાગે છે કે ઇન્ડિયન વન-ડે ક્રિકેટ ટીમમાં હિટમૅન રોહિત શર્મા ન હોવાથી ટીમ ઇન્ડિયાને નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે.
આઇપીએલ વખતે ઈજાગ્રસ્ત થવાને લીધે સિલેક્ટરોએ રોહિતને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે અને ટી૨૦ની ટીમમાંથી આઉટ કરી દીધો હતો. માત્ર ટેસ્ટ સિરીઝમાં રોહિતને સામેલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ સિરીઝ પહેલાં બન્ને દેશ વચ્ચે ત્રણ
વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમાશે. રોહિતની વન-ડેમાં ગેરહાજરી વિશે વાત કરતાં રમીઝ રાજાએ કહ્યું કે ‘મૅચનું પ્રસારણ કરતી ચૅનલે કહ્યું કે વિરાટ કોહલીની ગેરહાજરીને લીધે અમારી કમાણી પર અસર થશે. આ એક મોટી સિરીઝ છે. રોહિત શર્મા મૅચ-વિનર છે. મોટા ખેલાડી રમે કે ન રમે, વિરોધી ટીમ તેમને માટે રણનીતિ જરૂર બનાવે છે. રોહિત શર્મા ન હોવાથી ટીમને નુકસાન પહોંચી શકે છે અને તેની કમી નડશે જ, કેમ કે મને લાગે છે કે આ સમયમાં લિમિટેડ ઓવરની ગેમનો તે સૌથી મોટો ખેલાડી છે. ટેસ્ટ મૅચમાં હાજર હોવાથી તેણે જરૂર રમવું જોઈએ, કેમ કે તે સારા ફૉર્મમાં છે. આઇપીએલમાં તે ઘણું સારું રમ્યો હતો. મારું હંમેશાં માનવું છે કે ફૉર્મેટ મહત્ત્વનું નથી હોતું, ફૉર્મ મહત્ત્વનું હોય છે. જે ખેલાડી જે ફૉર્મેટમાં સારું રમે છે તેને એ ફૉર્મેટમાં લઈને આગળ વધવું જોઈએ.’
ટેસ્ટ સિરીઝ જીતવાની ભારત
પાસે સારી તક
રમીઝ રાજાને લાગે છે કે ઇન્ડિયન ટીમ માટે ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવાની સારી તક છે. આ વિશે રાજાએ કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયામાં પિચ કેટલાંક વર્ષો પહેલાં જેવી હતી એવી હવે નથી. કહેવાનો અર્થ એ કે એમાં બાઉન્સ ઓછો હોય છે. મને લાગે છે કે ઑસ્ટ્રેલિયા વ્યુવરશિપના આંકડા વધારવા માટે પાંચેય દિવસ ટેસ્ટ મૅચ રમાડવા માગશે. ભારતની બૅટિંગ અને બોલિંગ લાઇનઅપમાં ઘણો સુધારો આવ્યો છે અને યજમાન ટીમ એ વાતનું જરૂરથી ધ્યાન રાખશે.
એનસીએમાં રોહિત શર્માએ
શરૂ કરી ફિટનેસ ટ્રેઇનિંગ
ઇન્ડિયન ક્રિકેટ ટીમના હિટમૅન રોહિત શર્માએ ગઈ કાલથી બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં ફિટનેસ ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે રોહિત ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવરની સિરીઝનો ભાગ
નથી. આઇપીએલ દરમ્યાન રોહિત ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર આવ્યા હતા ત્યાર બાદ તે આઇપીએલની ફાઇનલમાં રમ્યો હતો. જોકે રોહિતનું કહેવું છે કે તે સંપૂર્ણપણે ઓકે છે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ ધારે છે કે તેને પોતાની ઈજામાંથી બહાર આવવા વધારે સમયની જરૂર છે. રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા બન્ને ઑસ્ટ્રેલિયા માટેની ટેસ્ટ સિરીઝ માટે સાથે રવાના થશે.

cricket news rohit sharma