UAEમાં અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ કામ લાગશે

11 April, 2014 06:52 AM IST  | 

UAEમાં અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ કામ લાગશે


૧૬ એપ્રિલથી UAEમાં શરૂ થઈ રહેલી IPLના પહેલા તબક્કા માટે દરેક ટીમ અને ખેલાડીઓ ત્યાંના વાતાવરણને અનુકૂળ થવા માટે ખાસ્સી મહેનત કરી રહ્યાં છે અને તેમને નવા સ્થળ વિશે થોડી ગભરામણ પણ થઈ રહી છે, કેમ કે ભારતીયો લગભગ એક દસકાથી વધુ સમયથી ત્યાં રમવા નથી ગયા. જોકે રાજસ્થાન રૉયલ્સનો યુવા વિકેટકીપર-બૅટ્સમૅન ૧૯ વર્ષનો સંજુ સૅમસન આવી કોઈ પણ ચિંતાથી મુક્ત છે, કેમ કે તે થોડા સમય પહેલાં અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના વાઇસ કૅપ્ટન તરીકેનો અનુભવ મેળવી આવ્યો છે.

રાજસ્થાન રૉયલ્સે ઑક્શન વખતે જાળવી રાખેલા પાંચ ખેલાડીઓમાં ગઈ સીઝનનો સ્ટાર પફોર્ર્મર સંજુ સૅમસન પણ છે. સંજુએ હજી બે મહિના પહેલાં અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટે લગભગ એક મહિનો UAEમાં ગાળ્યો હતો. એ પહેલાં પણ તે ત્યાં એશિયા કપ રમવા ગયો હતો અને ટીમને ચૅમ્પિયન બનાવીને કપ સાથે પાછો ફર્યો હતો.

યુવા અને ઊભરતા ખેલાડી સંજુએ એ વિશે કહ્યું હતું કે ‘હા, બીજા ખેલાડીઓ કરતાં ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ થવાની વાત કરીએ તો હું વધુ સક્ષમ છું. હું ત્યાં બે મોટી ટુર્નામેન્ટ રમી ચૂક્યો છું અને ત્યાંના વાતાવરણને સારી રીતે અનુભવી ચૂક્યો છું. હું મારા અનુભવનો લાભ લઈશ અને મને એ મદદરૂપ બનશે.’

સંજુ સૅમસન અત્યારે મુંબઈમાં સૈયદ મુશ્તાક અલી T2૦ ટુર્નામેન્ટમાં તેની ટીમ કેરળ વતી રમી રહ્યો છે. સંજુએ ગઈ કાલે ટુર્નામેન્ટમાં તેની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી પણ તેની ટીમ રાજસ્થાન સામે હારી ગઈ હતી. સંજુએ રાજસ્થાન રૉયલ્સના તૈયારીરૂપે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ચાલી રહેલા કૅમ્પમાં જોડાવાને બદલે આ ટુર્નામેન્ટમાં તેની કેરળ ટીમને મદદરૂપ બનવાનું નક્કી કર્યું હતું અને ગઈ કાલની હાફ સેન્ચુરી બાદ તે ખુશ જણાયો હતો. ૧૪મીએ દુબઈ જતાં પહેલાં તેને હજી એક મૅચ રમવા મળશે.

સંજુ છેલ્લા એક વર્ષમાં કેરળ વતી ઘણી શાનદાર ઇનિંગ્સ રમ્યો છે, પણ તેને લાગે છે કે IPLને લીધે તેની ટૅલન્ટમાં વધુ નિખાર આવ્યો છે. સંજુ કહે છે, ‘IPLનો અનુભવ મને ઘણો ઉપયોગી થઈ રહ્યો છે. હું મારા બધા સિનિયર અને વિદેશી ખેલાડીઓનું ધ્યાનથી અવલોકન કરું છું અને એને લીધે મારી પ્રતિભા વધુ નીખરી રહી છે. આશા રાખું કે આ વર્ષે હું રાજસ્થાન રૉયલ્સને વધુ મૅચો જિતાડી શકું.’

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ગઈ સીઝનના ટીમના કૅપ્ટન રાહુલ દ્રવિડે સંજુને ભવિષ્યનો ઊભરતો સિતારો ગણાવ્યો છે. એ વિશે સંજુ કહે છે, ‘હું ભવિષ્યની વધુ ચિંતા નથી કરતો. મને વર્તમાનમાં રહેવાનું ગમે છે.’