ચેન્નઈ સુપર કિંગ્સ ચૅમ્પિયન

05 October, 2014 05:05 AM IST  | 

ચેન્નઈ સુપર કિંગ્સ ચૅમ્પિયન



બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ કાલે યોજાયેલી ચૅમ્પિયન્સ લીગ T20 સ્પર્ધાની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) સુરેશ રૈનાની તોફાની બૅટિંગની મદદથી ૯ બૉલ બાકી રાખીને આઠ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો અને સતત ૧૪ મૅચોમાં અજય રહેલી કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના વિજયરથને અટકાવ્યો હતો. સુરેશ રૈના ૬૨ બૉલમાં ૮ સિક્સર અને ૬ ફોરની મદદથી ૧૦૯ રને નૉટઆઉટ રહ્યો હતો. આ સાથે CSK બે વાર IPL અને બે વાર ચૅમ્પિયન્સ લીગની મૅચોની ફાઇનલ જીત્યું છે.

CSKએ ટૉસ જીતીને KKRને બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું જેમાં KKRની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. આ સ્પર્ધામાં KKR એકેય મૅચ હાર્યું નહોતું, જ્યારે CSK માંડ-માંડ ફાઇનલ સુધી પહોંચી શક્યું હતું. વળી એક અજય ટીમને છાજે એ રીતે રૉબિન ઉથપ્પા અને કૅપ્ટન ગૌતમ ગંભીરે દાવની સારી શરૂઆત કરી હતી. ૧૧મી ઓવરમાં રૉબિન ઉથપ્પા ૩૯ રને આઉટ થયો ત્યારે સ્કોર હતો ૯૧ રન. ત્યાર બાદ આવેલા જૅક કૅલિસે એક રન કરી આઉટ થતાં નિરાશ કર્યા હતા, પણ ગૌતમ ગંભીરના ૮૦ રન અને મનીષ પાંડેના ૩૨ રનની મદદથી KKRનો સ્કોર ૧૮૦ રન થયો હતો. જોકે CSKના બોલર પવન નેગીએ કમાલ દાખવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

૧૮૧ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી CSKની શરૂઆત જોકે ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં ડ્વેન સ્મિથની વિકેટ માત્ર આઠ રને પડી ગઈ હતી. વનડાઉન આવેલા સુરેશ રૈનાએ રનની ગતિ વધારી દીધી હતી. CSKના ૧૨૭ રન થયા ત્યારે મૅક્લમ ૩૯ રને આઉટ થયો હતો. એ પછી ધોની-રૈનાની જોડીએ મૅચ જીતી લીધી હતી. KKRને એના સ્ટાર બોલર સુનીલ નારાયણની ખોટ સાલી હતી.

કોને શું મળ્યું?

KKRનો સુરેશ રૈના: ટુર્નામેન્ટમાં પણ સૌથી વધારે સિક્સર મારી હોવાથી ગોલ્ડન બૅટ અને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ.

CSKનો બોલર પવન નેગી: મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ.

KKRનો સ્ટાર બોલર સુનીલ નારાયણ:ગોલ્ડન વિકેટ અવૉર્ડ.

કેપ કોબ્રાઝ: ફેર પ્લે અવૉર્ડ.