સુરેશ રૈનાનું પુનરાગમન : પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી કૅપ્ટન

11 November, 2014 06:39 AM IST  | 

સુરેશ રૈનાનું પુનરાગમન : પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી કૅપ્ટન




ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઑસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ-મૅચોની સિરીઝ રમવા જઈ રહેલી ૧૯ મેમ્બરોની ભારતીય ટીમની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી જેમાં સુરેશ રૈનાનું ટીમમાં પુનરાગમન થયું છે જ્યારે બૅટ્સમૅન કે. એલ. રાહુલ અને લેગ સ્પિનર કર્ણ શર્માને સ્થાન મળ્યું છે. કૅપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની પસંદગી થઈ છે, પણ ઇન્જરીને કારણે તે પહેલી ટેસ્ટમાં નહીં રમે એથી એ ટેસ્ટમાં વિરાટ કોહલી કૅપ્ટન રહેશે.

ટેસ્ટ-ટીમમાં નમન ઓઝા અને વૃદ્ધિમાન સહા એમ બે વિકેટકીપરોને સ્થાન આપવામાં આવ્યું છે, પણ નમન ઓઝાને માત્ર પહેલી ટેસ્ટ-મૅચ માટે જ લેવામાં આવ્યો છે અને એ પૂરી થયા બાદ તે ભારત પાછો ફરશે.

ધોનીને ઇન્જરીને કારણે આરામ

ટેસ્ટ-ટીમ અને શ્રીલંકા સામેની બાકીની બે વન-ડે મૅચો માટે ટીમની પસંદગી કરવા ગઈ કાલે મુંબઈમાં સિલેક્ટરોની મીટિંગ થઈ હતી અને એ પછી ટીમની જાહેરાત કરતી વખતે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી સંજય પટેલે કહ્યું હતું કે ‘ચોથી ડિસેમ્બરે બ્રિસ્બેનમાં શરૂ થનારી પહેલી ટેસ્ટ-મૅચમાં વિરાટ કોહલી કૅપ્ટન રહેશે. હાથમાં ઇન્જરીને કારણે મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. તે ઇન્જરીમાંથી પૂરો રિકવર થાય એ માટે તેને આરામ આપવામાં આવ્યો છે. આના કારણે શ્રીલંકા સામેની બે વન-ડે મૅચોમાં પણ ધોની નહીં રમે અને કૅપ્ટન વિરાટ કોહલી જ રહેશે. ૧૨ ડિસેમ્બરથી ઍડીલેડમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં ધોની રમશે અને આખા પ્રવાસમાં તે ટેસ્ટ-ટીમનું નેતૃત્વ કરશે.’

સિનિયરો ભુલાયા

સિલેક્ટરોએ યુવા ખેલાડીઓ પર મદાર રાખ્યો છે અને એથી વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, પ્રજ્ઞાન ઓઝા, અમિત મિશ્રા અને હરભજન સિંહ જેવા સિનિયર ખેલાડીઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), વિરાટ કોહલી, શિખર ધવન, મુરલી વિજય, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, સુરેશ રૈના, વૃદ્ધિમાન સહા, નમન ઓઝા, આર. અશ્વિન, કર્ણ શર્મા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ અને વરુણ ઍરોન.

શ્રીલંકા સામેની બે વન-ડેમાં ધવન, જાડેજા અને ઇશાન્ત શર્માને રેસ્ટ : રોહિત શર્મા ઇન

ગુરુવારે ૧૩ નવેમ્બરે કલકત્તા અને રવિવારે ૧૬ નવેમ્બરે રાંચીમાં શ્રીલંકા સામેની પાંચ મૅચોની સિરીઝની બાકીની બે મૅચો માટે સિલેક્ટરોએ જોરદાર ફૉર્મમાં રમી રહેલા ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન, રવીન્દ્ર જાડેજા અને ઇન્જર્ડ બોલર ઇશાન્ત શર્માને આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ વૃદ્ધિમાન સહાને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. આ ટીમમાં શિખર ધવનના સ્થાને રોહિત શર્માને લેવામાં આવ્યો છે, જ્યારે વૃદ્ધિમાન સહાના સ્થાને રૉબિન ઉથપ્પા અને ઇશાન્ત શર્માના સ્થાને વિનયકુમારને લેવામાં આવ્યા છે. આ બે વન-ડેમાં અંબાતી રાયુડુ કે રૉબિન ઉથપ્પા વિકેટકીપિંગ કરશે.