03 July, 2024 10:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના આઉટગોઇંગ હેડ કોચ રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ટીમને આપેલી ફેરવેલ સ્પીચમાં ખુલાસો કર્યો હતો કે ‘મને કૅપ્ટન રોહિત શર્માનો ફોન આવ્યો હતો જેમાં મને વન-ડે વર્લ્ડ કપમાં હાર બાદ કોચિંગ ચાલુ રાખવાની વિનંતી કરવામાં આવી હતી. જો એ ફોન ન આવ્યો હોત તો હું આ ઇતિહાસનો ભાગ ન હોત.’
આ પહેલાં રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ૨૦૧૮માં અન્ડર-19 ભારતીય ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.
દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ વન-ડે વર્લ્ડ કપ સાથે સમાપ્ત થયો હતો. ભારત સતત ૧૦ મૅચ જીત્યા બાદ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. જોકે કોચિંગ સ્ટાફને વન-ડે વર્લ્ડ કપ બાદ T20 વર્લ્ડ કપ 2024ના અંત સુધી એક્સ્ટેન્શન મળ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શૅર કરેલા વિડિયોમાં રાહુલ દ્રવિડે ફેરવેલ સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે ‘રોહિત, નવેમ્બરમાં મને ફોન કરવા અને મને ટીમ સાથે જોડાવા માટે કહેવા બદલ તારો ખૂબ-ખૂબ આભાર. તેં મને પદ ન છોડવાની વિનંતી ન કરી હોત તો હું આ ઐતિહાસિક જીતનો ભાગ ન હોત. મને લાગે છે કે તમારા બધા સાથે કામ કરવું મારા માટે એક આનંદની વાત છે, તમે બધા આ પળોને યાદ કરશો.’
૫૧ વર્ષના રાહુલ દ્રવિડે સપોર્ટ સ્ટાફથી લઈને આખી ટીમના બલિદાન અને મહેનતની ભારે પ્રશંસા કરી હતી.