ચોથી ટેસ્ટમાં ક્વૉરન્ટીનમાં રાહત આપો : ભારત

08 January, 2021 02:34 PM IST  |  New Delhi | Agencies

ચોથી ટેસ્ટમાં ક્વૉરન્ટીનમાં રાહત આપો : ભારત

તસવીર સૌજન્ય જાગરણ

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ હજી શરૂ જ થઈ છે એવામાં ચોથી ટેસ્ટ મૅચ સામે ઊભા થયેલા અવરોધમાં વધારો થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને બ્રિસ્બેનમાં રમાનારી ચોથી ટેસ્ટ મૅચ પહેલાંના કપરા ક્વૉરન્ટીન સામે પ્લેયરોને રાહત આપવાની માગણી કરતો પત્ર લખ્યો છે. બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના વડા અર્લ એડિંગ્સને સંબોધીને પ્રવાસના મૉડલ વિશે બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા સમજૂતી-કરારનો ઉલ્લેખ કર્યો છે, જેમાં અલગ-અલગ શહેરોમાં બે હાર્ડ ક્વૉરન્ટીન વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ‘અમારી ચર્ચા ચાલી રહી છે, પણ બીસીસીઆઇએ આજે બ્રિસ્બેન મૅચ વખતના હાર્ડ ક્વૉરન્ટીન સામે પ્લેયરોને રાહત આપવાની માગણી કરતો પત્ર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને લખ્યો છે. બન્ને દેશો વચ્ચે જે સમજૂતી-કરાર થયા છે એમાં બે હાર્ડ ક્વૉરન્ટીન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ઇન્ડિયન ટીમે સિડનીમાં એક હાર્ડ ક્વૉરન્ટીન કરી લીધો છે (હાર્ડ ક્વૉરન્ટીન એટલે પ્રૅક્ટિસ પછી સીધા હોટેલની રૂમમાં જવું). બીસીસીઆઇની માગણી ઘણી સાધારણ છે. પ્લેયર્સ હોટેલના બાયો-બબલમાં રહીને જ એકબીજાને મળવા માગે છે, જે પ્રમાણે તેઓ આઇપીએલમાં મળતા હતા. તેમને સાથે મળીને જમવું છે, મીટિંગ કરવી છે. આથી વધારે અમારી કોઈ માગણી નથી. બીસીસીઆઇએ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પાસે ક્વૉરન્ટીના નિયમોમાં છૂટ આપવા વિશે લેખિત જવાબ માગ્યો છે.’

cricket news sports news sports test cricket