સ્વચ્છ ભારત મિશન સાથે જોડાશે સિંધુ, સાક્ષી ને દીપા

05 September, 2016 07:24 AM IST  | 

સ્વચ્છ ભારત મિશન સાથે જોડાશે સિંધુ, સાક્ષી ને દીપા



ડ્રિન્કિંગ વૉટર ઍન્ડ સૅનિટેશનના સેક્રેટરી પરમેશ્વરન અય્યરે કહ્યું હતું કે ‘અમે ઑલિમ્પિક્સ મેડલવિજેતા પી. વી. સિંધુ અને સાક્ષી મલિક ઉપરાંત જિમ્નૅસ્ટ દીપા કર્મકારને સ્વચ્છ ભારત મિશન સાથે જોડવા ઉત્સુક છીએ. તેમની સફળતામાં સ્વચ્છતાની ભૂમિકાની વાતથી મિશનને લાભ થઈ શકે છે. આ સ્ટાર ખેલાડીઓ ઘણી મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ ખેલાડીઓને અમારી સાથે સાંકળવા માટે અમે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીનો સંપર્ક કરીશું.’

પી. વી. સિંધુ બૅડ્મિન્ટન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી હતી. ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર દેશની તે પહેલી મહિલા ખેલાડી હતી. સાક્ષી મલિક દેશની પહેલી મહિલા પહેલવાન છે, જે કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. વડા પ્રધાન મોદીએ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી, જેમાં અત્યાર સુધી કુલ ૨૭ જાણીતી હસ્તીઓ જોડાઈ છે. અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર અને અનિલ અંબાણી આ મિશનને પ્રમોટ કરી ચૂક્યા છે. આ મિશને દેશનાં ૪૦૦૦ કરતાં વધુ શહેરોને આવરી લીધાં છે. એનો હેતુ સ્વચ્છતા મામલે લોકોમાં જાગરૂકતા લાવવી તેમ જ લોકોને જાહેરમાં શૌચ કરતાં અટકાવવાનો છે.