ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટની મૅચમાં બાલાસિનોર જ્ઞાતિનો પ્લેયર ૨૧ ફોર સાથે ૧૫૩ નૉટઆઉટ

28 December, 2012 06:06 AM IST  | 

ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટની મૅચમાં બાલાસિનોર જ્ઞાતિનો પ્લેયર ૨૧ ફોર સાથે ૧૫૩ નૉટઆઉટ



દાદરના શિવાજી પાર્ક ગ્રાઉન્ડમાં ગઈ કાલે મુંબઈ સ્કૂલ્સ સ્પોર્ટ્સ અસોસિએશન-મુંબઈ ઇન્ડિયન્સ ગાઇલ્સ શીલ્ડ ટુર્નામેન્ટની એલીટ ડિવિઝનની એક મૅચમાં વાલ્કેશ્વરના ૧૨ વર્ષની ઉંમરના પૂરવ પરીખે ૨૫૨ બૉલમાં ૨૧ ફોર સાથે અણનમ ૧૫૩ રન બનાવીને પોતાની ઇરોઝ નજીકની સેન્ટ ઝેવિયર્સ બૉય્ઝ ઍકૅડેમીની ટીમને લીડ અપાવી હતી.

બાલાસિનોર જ્ઞાતિનો પૂરવ સાતમા ધોરણમાં ભણે છે અને રાઇટી બૅટ્સમૅન છે. તેની આ અણનમ ઇનિંગ્સથી સેન્ટ ઝેવિયર્સ બૉય્ઝ ઍકૅડેમીની ટીમ ત્રણ દિવસની આ મૅચના બીજા દિવસે દાદરની શારદાશ્રમ વિદ્યામંદિર (મરાઠી મિડિયમ) સામે ૪૭ રનની લીડ મેળવી શકી હતી.

ફસ્ર્ટ ઇનિંગ્સમાં શારદાશ્રમ વિદ્યામંદિરની ટીમ પૂરવ પરીખ ઉપરાંત ખાસ કરીને બ્રાહ્મણ જ્ઞાતિના ઑફ સ્પિનર દેવશ જોશીના જબરદસ્ત બોલિંગ પર્ફોમન્સને કારણે માત્ર ૧૭૧ રન બનાવી શકી હતી. પૂરવ લેફ્ટી સ્પિનર છે. તેણે ૪૨ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે દેવશે ૪૦ રનમાં છ બૅટ્સમેનને આઉટ કર્યા હતા. સેન્ટ ઝેવિયર્સ ઍકૅડેમીના પ્રથમ દાવમાં ૨૧૮ રન બન્યા હતા.

ગાઇલ્સ શીલ્ડમાં ગુજરાતી પ્લેયરો ખૂબ ચમકી રહ્યા છે. બુધવારે અંધેરીની હંસરાજ મોરારજી સ્કૂલના સ્પિનર સત્યક પટેલે દાદરની બાલમોહન વિદ્યામંદિર સામેની મૅચના પ્રથમ દાવમાં ૭ વિકેટ લીધી હતી.

ગઈ કાલે શિવાજી પાર્કમાં જ માટુંગાની ડૉન બૉસ્કો સ્કૂલની ટીમના કૅપ્ટન ભુપેન લાલવાણીએ મૉડર્ન ઇંગ્લિશ સ્કૂલ સામેની મૅચમાં ટ્રિપલ સેન્ચુરી (૩૯૮ રન, ૨૭૭ બૉલ, ૬૪ ફોર) ફટકારી હતી. તેની આ ઇનિંગ્સથી ડૉન બૉસ્કોએ ઇનિંગ્સ પાંચ વિકેટના ભોગે ૭૧૪ રનના ટોટલ પર ડિક્લેર કરી હતી અને ત્યાર પછી મૉડર્ન ઇંગ્લિશ સ્કૂલે ૯ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી.