PBKS Vs SRH: નિરુત્સાહી હૈદરાબાદને પંજાબે કાબૂમાં રાખ્યું

23 May, 2022 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મૅચ અર્થ વિનાની હતી, કારણ કે બન્ને હરીફ ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

આઇપીએલની ૧૫મી સીઝનની શરૂઆતમાં સારો દેખાવ કર્યા બાદ પરાજયના સિલસિલાને કારણે છેવટે પ્લે-ઑફથી વંચિત રહેલી અને મુખ્ય કૅપ્ટન કેન વિલિયમસન વિનાની સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ગઈ કાલે વાનખેડેમાં અંતિમ લીગ મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ પંજાબ કિંગ્સે એને કાબૂમાં રાખી હતી જેને કારણે ભુવનેશ્વર કુમારની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ ૮ વિકેટે ૧૫૭ રન બનાવી શકી હતી. ટીમમાં એક પણ હાફ સેન્ચુરી નહોતી નોંધાઈ અને ઓપનર અભિષેક શર્મા (૪૩ રન, ૩૨ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)નો સ્કોર હાઇએસ્ટ હતો. રોમારિયો શેફર્ડ (અણનમ ૨૬, ૧૫ બૉલ, બે સિક્સર, બે ફોર)નું યોગદાન સેકન્ડ-હાઇએસ્ટ હતું.
પંજાબ વતી બીજી જ મૅચ રમેલા ઑસ્ટ્રેલિયાના પેસ બોલર નૅથન એલિસે ત્રણ અને લેફ્ટ-આર્મ સ્પિનર હરપ્રીત બ્રારે ત્રણ વિકેટ લીધી હતી. ગઈ કાલે ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થયેલા અર્શદીપ સિંહને તેમ જ લિઆમ લિવિંગસ્ટનને એકેય વિકેટ નહોતી મળી. કૅગિસો રબાડા એક જ વિકેટ લઈ શક્યો હતો.
આ મૅચ અર્થ વિનાની હતી, કારણ કે બન્ને હરીફ ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આજે આઇપીએલમાં રેસ્ટ ડે છે અને આવતી કાલે પ્લે-ઑફ રાઉન્ડ શરૂ થશે. ૨૯ મેએ ફાઇનલ છે.

ipl 2022 sports news punjab kings